આજે ૨૦૦ પાટીદારોની અમદાવાદમાં બાઈક રેલી, પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલનું અમદાવાદમાં શક્તિપ્રદર્શન

21-Dec-2021

-પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ આજે અમદાવાદમાં 

-21મી જાન્યુઆરીના દિવસે ખોડલધામ કાગવડનો પંચમ પાટોત્સવ

-સમાજ એકઠો કરી આપશે આમંત્રણ

ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ હાલ ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે. ખોડલધામ કાગવડને પાંચ વર્ષ પૂર્ણ થતા આગામી ૨૧/૦૧/૨૦૨૨ના રોજ યોજાનાર પંચમ પાટોત્સવની ઉજવણી કાર્યક્રમને લઈને તેઓ ગુજરાતના દરેક જિલ્લામાં જઇ રહ્યા છે.પાટીદાર સમાજને એકઠો કરી ખોડલધામ પ્રસંગમાં આવી ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલનું આજે અમદાવાદમાં શક્તિપ્રદર્શન થશે.નિકોલ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો બાઈક રેલી કરી ખોડલધામમાં પાટોત્સવ કાર્યક્રમનું આમંત્રણ આવવા આવેલા નરેશ પટેલનું સ્વાગત કરશે.

બાઇક રેલીનું આયોજન

લેઉવા પાટીદાર સમાજ દ્વારા સાંજે 4 કલાકે નરેશ પટેલનું ભવ્ય સન્માન કરશે. નિકોલ ઉત્તમનગર ખાતે સિંધુ ભવન પર નરેશ પટેલ કાર્યક્રમમાં હાજરી આપશે. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો ઉમેટશે તેવી આશંકા સેવાઇ રહી છે. નરેશ પટેલ બપોરે 03:30 કલાકે અમદાવાદ પહોંચશે. નિકોલ ખોડીયાર મંદિરથી 200 જેટલા પાટીદાર યુવાનોની બાઇક રેલી કાઢી નરેશ પટેલનું સ્વાગત કરશે. જે બાદ મોટી સભા યોજી ખોડલધામમાં પાટોત્સવમાં પધારવાની નરેશ પટેલ પાટીદારોને હાકલ કરશે.

સ્ટેજનો ઉપયોગ માત્ર સન્માન માટે થશે

અમદાવાદ ખોડલધામ સમિતિના આગેવાનના જણાવ્યા મુજબ, નિકોલના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર એક પણ વ્યક્તિને બેસાડવામાં આવશે નહીં. સ્ટેજ માત્ર સન્માન માટે જ બનાવવામાં આવશે. નરેશ પટેલ પણ પોતે નીચે જ બેસશે. નિકોલ ખાતેના આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના આગેવાનો અને પશ્ચિમ વિસ્તારના લેઉવા પાટીદાર સમાજ લોકો મોટી સંખ્યામાં ઊમટશે.

Author : Gujaratenews