ભાવસભર ભાવનગર ખાતે સરદારધામ દ્વારા ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું કરાયું આયોજન

20-Sep-2022

ભાવનગર એટલે આજથી 300 વર્ષ પહેલાં પ્રજાનું કલ્યાણ કરવા તેમજ તેનો વિકાસ કરવાના હેતુથી ભાવનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના માત્ર નહીં પરંતુ રોજગારી, શિક્ષણ, આરોગ્ય જેવી પ્રાથમિક પાયાની જરૂરિયાતો પર ભાર મૂકીને તેના સ્ત્રોત પણ ઉભા કરવામાં આવ્યા હતા. દેશની આઝાદી સમયે એક ઝટકે પોતાનું રાજ્ય સોંપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું આ રજવાડું હતું. "મારી પ્રજાનું કલ્યાણ થજો" આવા સૂત્ર સાથે રાજ કરનાર આ મહારાજાએ 562 રજવાડામાં પોતાનું પ્રથમ રાજ્ય સરદાર સાહેબને સોંપ્યું હતું. આ સરદાર સાહેબનાં વિચાર એક ભારત શ્રેષ્ઠ ભારતને મૂર્તિમંત કરવા કાર્યરત સંસ્થા સરદારધામ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન યુવા તેજ તેજસ્વીની આયોજીત ‘યુવા સંવાદ’ કાર્યક્રમ ભાવનગર નીરુ પટેલ બોર્ડિંગ સ્કૂલ, વાઘાવાડી રોડ ખાતે યોજાયો હતો. સામાન્ય રીતે કાર્યક્રમ બાદ ભોજન હોય છે જ્યારે અહીંયા ભોજન બાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાધને હાજરી આપી હતી. સાથે શહેરનાં વિવિધ ઔધોગિક અને સામાજીક સંસ્થાઓનાં પ્રતિનિધિ, શહેરના અગ્રણી ઉધોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો અને યુવા તેજ તેજસ્વીની સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યુવા સંવાદ સેશનમાં પ્રશ્નોનું નેતૃત્વ ગુજરાત રાજ્યનાં વરિષ્ઠ સનદી અધિકારી અને મોટીવેશન સ્પીકરશ્રી શૈલેશભાઈ સગપરીયા એ કર્યું હતું અને સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયા ને પુછાયેલ તમામ પ્રશ્નોના ખૂબ સરસ રીતે જવાબ આપીને સહુને માહિતગાર અને માર્ગદર્શીત કર્યા હતા. કાર્યક્રમ અંતે પાટીદાર સમાજના ઉપસ્થિત તમામ લોકોએ સામાજીક કુરિવાજો અને પારિવારિક પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ ઘટાડી યુવાનોને ઉપયોગી થવા માટે એના સર્વાંગી વિકાસ માટે આગામી 10 વર્ષ સુધી યુવાનોમાં રોકાણ કરવાનો સ્વૈચ્છિક રીતે સંકલ્પ કર્યો હતો જેના શપથ સહુએ લીધા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન યુવા તેજ-તેજસ્વીની સૌરાષ્ટ્ર ઝોન દ્વારા કરવામાં આવ્યું હતું.

Author : Gujaratenews