મુસ્કાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એકઝીબિશનમાં વિધવા-વિકલાંગ બહેનો માટે ફ્રી સ્ટોલનું આયોજન કરાયું

20-Aug-2022

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી દેશમાં ઠેર ઠેર અલગ અલગ સ્વરૂપે કરવામાં આવી હતી. આ પાવન અવસર પર મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ -સુરતના મુસ્કાન મહિલા મંડળ અને મુસ્કાન યંગસ્ટર ગ્રૂપ તેમજ યુરો ફૂડસ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બનીને સન્માન સાથે રોજગારી મેળવી શકે એ ઉમદા હેતુથી 15 અને 16 ઓગસ્ટના રોજ બે દિવસીય એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકઝીબિશનનું આયોજન S.M.C. કોમ્યુનિટી હોલ, મોટા વરાછા ખાતે કરવામાં આવ્યું હતું. તા.15 ઓગસ્ટના રોજ મુસ્કાન ટીમ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. આ એકઝીબિશનની આંખે ઉડીને વળગે એવી વાત એ હતી કે, આ એકઝીબિશનમાં કુલ 74 સ્ટોલ હતા. જેમાંથી 27 સ્ટોલ ગંગા સ્વરૂપ અને વિકલાંગ બહેનોને ફ્રી અપાયા હતા. આ એકઝીબિશનને સાંપડેલા પ્રતિસાદના પ્રતિ સ્વરૂપે આગામી બે એક્ઝીબિશનનું આયોજન પણ એડવાન્સમાં મુસ્કાન ટીમ દ્વારા થઈ ગયેલ છે. આગામી એકઝીબિશન તા. 4 અને 5 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર પટેલ ભવન, મિનિબજાર ખાતે તેમજ તા. 16 અને 17 સપ્ટેમ્બરે સમસ્ત પાટીદાર સમાજ, આંબા તલાવડીની વાડી ખાતે કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં તા.16 અને 17 સપ્ટેમ્બરે આયોજિત એકઝીબિશનમાં વિકલાંગ અને વિધવા બહેનોને ફ્રીમાં સ્ટોલ અપાશે.

Author : Gujaratenews