સિદ્ધાંતવાદી ચોર!! શનીદેવના મંદિરમાં ચોરી કરવા આવેલો શખ્સ પૂજારી નીકળ્યો, 45 સેકન્ડમાં જ ચાંદીનું છતર ચોરી કરી ગયાનો વીડિયો જુઓ

19-Nov-2021

આજકાલ ચોરી લૂંટફાટની ઘટના સામાન્ય બની ગઈ છે. ચોરો હવે મંદિરોને પણ નથી છોડતા. તેઓ મંદિરોમાંથી પણ દાનપેટી, ભગવાનના ઘરેણા, વગેરે જેવી વસ્તુઓની ચોરી કરી ફરાર થઇ જતા હોય છે જેના કારણે હવે મંદિરોમાં પણ સીસીટીવી લગાવવાની ફરજ પડી છે. જોકે તેમ છતાં ચોરો કોઈ પણ ડર વિના ચોરીને અંજામ આપી રહ્યા છે. 

આવી જ એક ઘટના હિંમતનગરના ખાડીયા ચાર રસ્તા સ્થિત શનિદેવ મંદિરમાં બની હતી. રવિવારે સાંજે દર્શનના બહાને બેગ લઇને આવેલ શખ્સે મૂર્તિને પગે લાગી ઉપર લગાવેલ ચાંદીનું છત્તર ચોરી કરી જતાં ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં છત્ર લઈ જનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. 

બેગ લઇને આવેલ આ શખ્સ પહેલા હનુમાનજીના મંદિરમાં જતો દેખાય છે. દરમિયાનમાં બે જણાં દર્શન અર્થે આવતા તેમની સાથે વાતચીત કરી આઘો પાછો થાય છે અને બંને નીકળી ગયા બાદ શનિદેવના મંદિરમાં પ્રવેશી પગે લાગી કોઇ જોતું નથી ને તેની ચકાસણી કરી મૂર્તિ પર લગાવેલ છત્તરના તારને ખીંટી ઉપરથી ખોલી ચોરી કરી વાંકો વળી બેગમાં મૂકી સિફતપૂર્વક રવાના થઇ જાય છે. ફૂટેજમાં તારીખ તા.14-11-21 અને સમય 17:48 કલાક જોવા મળી રહ્યો છે. 

ચોરીનો વીડિયો વાયરલ થયા બાદ આ શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. આ શખ્સ બીજો કોઈ નહીં પણ પૂજારી નીકળ્યો હતો. બી ડિવિઝન પીએસઆઇ એ.વી.જોષી એ જણાવ્યુ હતું કે, ફૂટેજમાં દેખાતાં પોસ્ટના નિવૃત્તકર્મીને પકડી પૂછપરછ ચાલી રહી છે પરંતુ તેમને માનસિક બિમારી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યુ છે.

Author : Gujaratenews