સુરતના ગ્રીષ્મા હત્યાકાંડ વિશે સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહ્યું છે આ જૂઠ, ફેસબુક પર બે યુઝરએ લોકોને ભડકાવ્યા

19-Feb-2022

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો અને બનાવની ગંભીરતાના કારણે સરકાર પણ ઍક્શનમાં આવી ગઈ હતી. સરકારે ઝડપી ન્યાય આપવાનો દિલાસો આપ્યો હતો, પણ હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં સાંપ્રદાયિક ઍન્ગલ સાથે શૅર કરાયો હોવાનું એક તપાસમાં સામે આવ્યું છે.

- સુરતમાં એકતરફી પ્રેમી યુવકે યુવતીને કેમ રહેંસી નાખી?

- ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ : આરોપી ફેનિલનો ભૂતકાળ કેવો છે?

સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર ગ્રીષ્માની હત્યા વખતનો એક વીડિયો જુદી જુદી માહિતી સાથે શૅર થઈ રહ્યો છે. આ વીડિયો 'લવ જેહાદ' તેમજ 'બળજબરીથી ધર્માંતરણ' જેવા મુદ્દા સાંકળીને મોટાપાયે શૅર કરાયો હતો.

દેવ કટોચ નામના એક યુઝરે ફેસબુક પર આ વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોની કૅપ્શનમાં તેમણે લખ્યું હતું કે, "શું આ છોકરી સાથે બરાબર થઈ રહ્યું છે? એક મુસ્લિમ છોકરાએ હિન્દુ બનીને હિન્દુ છોકરી સાથે પ્રેમ કર્યો અને પછી છોકરીને મુસ્લિમ બનાવવાનો પ્રયત્ન કર્યો. છોકરીએ ના પાડી તો બે મુસ્લિમોએ ભેગા મળીને છોકરીની હત્યા કરી નાખી."

આ સિવાય પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, "ભાઈઓ, ક્યાં સુધી આ રીતે આપણી હિન્દુ છોકરીઓને કપાવા દઈશું. અત્યારે જ સમય છે, જાગી જાઓ."

આ જ વીડિયો યોગ કુશવાહા નામના એક યુઝરે પોસ્ટ કર્યો છે. યોગ કુશવાહા અને દેવ કટોચ દ્વારા શૅર કરાયેલ વીડિયો અને તેની કૅપ્શન સમાન છે.ફેસબુક પર આ બન્ને એકલા નથી, જેમણે એકસરખી કૅપ્શન સાથે આ વીડિયો શૅર કર્યો હોય. એવા અનેક લોકો હતા, જેમણે આ વીડિયો શૅર કર્યો હતો.જોકે, બાદમાં ઘણા બધા યુઝરોએ તે ડીલિટ કરી નાખ્યો હતો. જ્યારે કેટલાક યુઝરોની પ્રોફાઇલ પર આ પોસ્ટ હાલમાં પણ જોવા મળી શકે છે.આ થઈ ફેસબુકની વાત, ટ્વિટરનો પણ આ ખોટી માહિતી પ્રસારમાં ઉપયોગ થયો છે.

હિન્દુ રાષ્ટ્ર પ્રશાસનિક સમિતિ નામના એક ટ્વિટર હૅન્ડલ પરથી પણ દેવ કટોચ અને યોગ કુશવાહા જેવો જ વીડિયો શૅર કરવામાં આવ્યો હતો.

સાંઈ સુમન નામના એક ટ્વિટર હૅન્ડલ પરથી પણ આ વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. જોકે, ટ્વિટર તેમજ ફેસબુક દ્વારા આ ઘટનાની ઘણી પોસ્ટ હઠાવી દેવામાં આવી છે, પરંતુ હાલમાં પણ અનેક પોસ્ટ જોવા મળી રહી છે.સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયો અને કૅપ્શન મહદ્અંશે એકસરખાં જ છે. આ પરથી બે સંભાવનાઓ સામે આવે છે.

પહેલી, આ તમામ લોકોએ આયોજનપૂર્વક આ વીડિયો શૅર કર્યો હશે અથવા તો સોશિયલ મીડિયા પર જોવા મળેલી પોસ્ટની ખરાઈ કર્યા વગર તેમણે ફોરવર્ડ કરી.આ બન્ને સંભાવનાઓ પરથી શીખવા મળે છે કે, સોશિયલ મીડિયા પર જોવા મળતી તમામ વસ્તુઓની ખરાઈ કર્યા વગર તેના પર ભરોસો ન કરવો જોઈએ અને શૅર ન કરવી જોઈએ.

12 ફેબ્રુઆરીએ સુરતના કામરેજ વિસ્તારમાં રહેતાં ગ્રીષ્મા નંદલાલ વેકરિયાની તેમની સાથે જ અભ્યાસ કરતા ફેનિલ ગોયાણી નામના એક યુવકે હત્યા કરી નાખી હતી.કામરેજ પોલીસમથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, 20 વર્ષીય ગ્રીષ્માને છેલ્લા એક વર્ષથી કાપોદરા વિસ્તારમાં રહેતા ફેનિલ ગોયાણી નામના યુવાન હેરાન કરતા હતા. ગ્રીષ્માએ આ અંગે તેમના પરિવારને પણ જાણ કરી હતી.

 

પરિવારજનોએ અગાઉ પણ ફેનિલ સાથે વાત કરીને હેરાન ન કરવા કહ્યું હતું.ગત શનિવારે સાંજે છ વાગ્યાની આસપાસ ફેનિલ ગ્રીષ્માના ઘર પાસે આવ્યા હતા. જેની જાણ થતાં ગ્રીષ્માએ તેમના ભાઈને આ અંગે કહ્યું હતું.ગ્રીષ્માના પિતા તે સમયે દક્ષિણ આફ્રિકા હોવાથી તેમના મોટા પપ્પા અને ભાઈ ફેનિલ સાથે વાત કરવા ગયા હતા.જોકે, ઉશ્કેરાયેલા ફેનિલે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢીને ગ્રીષ્માના મોટા પપ્પાને માર્યું હતું. તે સમયે વચ્ચે પડેલા યુવતીના ભાઈને પણ હાથ પર ચપ્પુ વાગ્યું હતું.

ફેનિલ દ્વારા આ બન્ને પર હુમલો કરાતાં છોડાવવા માટે ગ્રીષ્મા વચ્ચે પડ્યાં હતાં. જેથી ફેનિલે તેમને પણ પકડી લીધાં હતાં.ગુસ્સામાં બે લોકો પર ચપ્પુ ફેરવી દીધા બાદ ફેનિલે ગ્રીષ્માને પકડીને તેમના ગળા પર ચપ્પુ મૂકતાં તેમણે બૂમો પાડવાની શરૂ કરી દીધી હતી.

તે સમયે હાજર એક વ્યક્તિ દ્વારા લેવાયેલા વીડિયોમાં ફેનિલ યુવતીને પાછળથી પકડીને ઊભા હોય તેવુ દેખાઈ રહ્યું છે.થોડીવાર સુધી કંઈક બોલ્યા બાદ ફેનિલે યુવતીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું. જેથી તેઓ ઢળીને જમીન પર પડી ગયાં હતાં.

વીડિયોમાં આગળ ફેનિલ પોતાના હાથમાં ચપ્પુ રાખીને ખિસ્સામાંથી એક પડીકી કાઢતાં નજરે પડે છે અને પડીકીમાંથી વસ્તુ કાઢીને ખાતાં દેખાય છે.પોલીસ ફરિયાદમાં તેને ઝેરી દવા જેવો પદાર્થ કહેવામાં આવ્યો છે.આમ કર્યા બાદ પોલીસ આવી જતાં ફેનિલે ચપ્પા વડે પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો

Author : Gujaratenews