Surat : તાપી નદી રિવરફ્રન્ટના પ્રથમ તબક્કાની કામગીરીનો પ્લાન વર્લ્ડ બેન્ક સામે રજૂ કરાયો

17-Sep-2021

Surat સુરતની રોનક વધારવા માટે હાથ ધરવામાં આવેલા સુરત રિવરફ્રન્ટ(Tapi Riverfront ) ના ફેઝ વન ની કામગીરી આગામી ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. 1991 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટમાં 70 ટકા લોન વર્લ્ડ બેંક(World Bank ) અને 15 ટકા રાજ્ય સરકાર તેમજ 15% પાલિકા હિસ્સો આપવામાં આવનાર છે.

જેના માટે વર્લ્ડ બેંક સમક્ષ પાલિકા દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. તાપી નદીના તટ પર રિવરફ્રન્ટના ફર્સ્ટ ફેઝ માટે માત્ર ચાર વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે સુરત મહાનગરપાલિકા ના નિષ્ણાત ઇજનેરો અને પદાધિકારીઓની ટીમ દ્વારા વર્લ્ડ બેંક લોન માટેનું રજૂ કર્યું હતું.જેમાં સરકારે મંજૂરી આપ્યા બાદ ડીપીઆર તૈયાર કરવામાં આવ્યા હતા. સુરત પહોંચેલી ટીમની સામે કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં ચાર વર્ષમાં ફર્સ્ટ ફેઝ પૂરો કરવાનો લક્ષ્યાંક દર્શાવવામાં આવ્યો છે. જેમાં કુલ 1991 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેમાં 70 ટકા લોન વર્લ્ડ બેંક અને 15 ટકા રાજ્ય સરકાર તેમજ 15 ટકા ખર્ચ પાલિકા ઉઠાવશે.

આ પ્રેઝન્ટેશનમાં ડ્રાફ્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. વધુમાં પાલિકાના અધિકારીઓએ વર્લ્ડ બેંકની ટીમ સમક્ષ એવી પણ રજૂઆત કરી હતી કે હાલમાં તાપી શુદ્ધિકરણ ની કામગીરી ચાલી રહી છે. અને તાપીના પાળા ની કામગીરી પણ થઈ ગઈ છે. જેથી રિવરફ્રન્ટથી કામગીરી ઝડપી બનશે તે નક્કી છે.

 

જોકે આ દરમિયાન વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ એ બેરેજ તથા રિવરફ્રન્ટ હાલની જગ્યા કેટલી છે અને કેવી રીતે સંપાદન કરાશે તેની પણ માહિતી માંગી હતી. જે પાલિકા દ્વારા પૂર્તતા કરવામાં આવશે અને ત્યારબાદ લોન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

 

તાપી નદીના કિનારે અમદાવાદની જેમ રિવરફ્રન્ટ દેવપલમેન્ટ કરવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. સુરત મનપા દ્વારા રિવરફ્રન્ટ તૈયાર પણ કરવામાં આવ્યો છે. પરંતુ હજી સુધી તેની યોગ્ય જાળવણી થઇ શકી નથી. જેના કારણે રિવરફ્રન્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે.

ત્યારે હવે ફરી એકવાર સુરત કોર્પોરેશને તાપી નદી કાંઠાને સુંદર, આકર્ષક અને હરવા ફરવા લાયક બનાવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. જોવાનું રહેશે આગામી દિવસોમાં આ કામગીરી કેવી રીતે આગળ વધે છે.

Author : Gujaratenews