બીગ બ્રેકિંગ: 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં ગુજરાત ATSએ દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ કરી

17-May-2022

ગુજરાત ATSએ દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ કરી છે. યુસુફ બટકા ,અબુ બકર, સોયેબ બાબા સહિતના 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ દાઉદ ગેંગના ચાર સાગરિતોની ધરપકડ કરી છે. યુસુફ બટકા,અબુ બકર, સોયેબ બાબા સહિતના 1993ના મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

૧૨મી માર્ચ ૧૯૯૩ ના ૧૩:૩૦ કલાકથી ૧૫:૪૦ કલાક સુધી મુંબઈમાં શ્રેણીબદ્ધ ૧૨ બોમ્બ વિસ્ફોટો થયેલ હતા, જેમાં ૨૫૭ લોકો માર્યા ગયેલ અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયેલ, અને રૂ. ૨૭ કરોડની સંપત્તિનો નાશ થયેલ હતો. આ ઘટનાઓની તપાસ શરૂઆતમાં મહારાષ્ટ્ર પોલીસ અને ત્યારબાદ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. ૪ નવેમ્બર ૧૯૯૩ ના રોજ, ફરાર સહિત કુલ ૧૮૯ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતી અને ટ્રાયલ બાદ, નિયુક્ત અદાલતે સપ્ટેમ્બર ૨૦૦૬માં બોમ્બે બ્લાસ્ટમાં તેમની ભૂમિકા માટે ૧૦૦ લોકોને દોષિત ઠેરવ્યા હતા. આ કેસોની તપાસમાં ખુલાસો થયેલ હતો કે દાઉદ ઈબ્રાહિમ કાસકરની ગેંગ સાથે સાંઠગાંઠ ધરાવતા અલગ-અલગ અંડરવર્લ્ડ તત્વો દ્વારા આંતકના આ ભયાનક કૃત્યો કરવામાં આવ્યા હતા અને તેમને પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI) દ્વારા સક્રિયપણે મદદ અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા આ કેસમાં ફરાર લોકોને પકડવા અને તેઓને ટ્રાયલનો સામનો કરાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહેલ છે.

એ.ટી.એસ.ના ના.પો.અધિ કનુભાઈ કે. પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે, ના.પો.અધિ કનુભાઈ કે. પટેલ, ના.પો.અધિ બળવંતસિંહ એચ. ચાવડા, ના.પો.અધિ. ભાવેશ પી. રોજીયા અને પો.ઇન્સ, વિષ્ણુ બી. પટેલની આગેવાની હેઠળની ગુજરાત એ.ટી.એસ. ની ટીમે તા. ૧૨મી મે, ૨૦૨૨ના રોજ સાંજના સમયે અમદાવાદ શરહેરના સરદારનગર વિસ્તારમાંથી ચાર વ્યક્તિઓની અટકાયત કરેલ હતી. આ વ્યક્તિઓ પાસે ૧)જાવેદ બાશા, સ/ઓ કાસીમ સાબ, રહે બેંગ્લોર, કર્ણાટક; ૨) સૈયદ અબ્બાસ શરીફ, સ/ઓ સૈયદ અબ્બાસ રહે. વિલ્લુપુરમ, તમિલનાડુ; 3) સૈયદ યાસીન સ/ઓ અબ્દુલ રહેમાન રહે. સર્વજ્ઞનગર, બેંગ્લોર અને ૪) મોહમ્મદ યુસુફ ઈસ્માઈલ સ/ઓ શેખ ઈસ્માઈલ નૂર મોહમ્મદ રહે. મીરા રોડ, મહારાષ્ટ્ર નાઓના નામે ભારતીય પાસપોર્ટ હતા.

તેઓના પ્રવાસ દસ્તાવેજો (પાસપોર્ટ) અને તેની સાથે સંકળાયેલા સરનામાની ચકાસણી કરતાં, પ્રાથમિક દ્રષ્ટીએ જાણવા મળેલ કે આ ભારતીય પાસપોર્ટ આ વ્યક્તિઓ દ્વારા બનાવટી સરનામાંના દસ્તાવેજોના આધારે મેળવેલ નકલી નામ અને ઓળખ પર છેતરપિંડીથી મેળવેલ હતા. આ ચાર વ્યક્તિઓ સામે ગુજરાત એ.ટી.એસ. પો.સ્ટે ખાતે ગુ.ર.નં ૦૨/૨૦૨૨ થી ભારતીય દંડ સંહિતાની કલમ ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૧ અને ૧૨૦(બી) અને પાસપોર્ટ એક્ટની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધેલ છે. ચારેય આરોપીઓની ધરપકડ કરી સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને ૮ દિવસની પોલીસ કસ્ટડી મેળવેલ હતી.

તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળેલ કે ગુજરાત એ.ટી.એસ. દ્વારા ધરપકડ કરાયેલ આ ચાર વ્યક્તિઓ નામે જાવેદ બાશા, સૈયદ અબ્બાસ શરીફ, સૈયદ યાસીન અને મોહમ્મદ યુસુફ ઈસ્માઈલ નાઓ ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેમની ભૂમિકા માટે વોન્ટેડ છે અને આજ દિન સુધી નાસતા-ફરતા રહેલ છે.

એ.ટી.એસ, ના પો.સ.ઈ બી.એચ.કોરોટ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં બોમ્બે બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આ ચાર વ્યક્તિઓની સાચી અને વાસ્તવિક ઓળખની વિગતો નીચે મુજબ ખુલવા પામેલ છે.

૧) અબુ બકર સ/ઓ અબ્દુલ ગફૂર, મૂળ રહે. બુટવાલા બિલ્ડીંગ, સારંગ સ્ટ્રીટ મુંબઈ કે જેની પાસેથી ભારતીય પાસપોર્ટ જાવેદ બાશા, સ/ઓ કાસીમ સાબ, રહે બેંગ્લોર, કર્ણાટક વાળો મળી આવેલ.

૨) સૈયદ કુરેશી સ/ઓ રાહત જાન કુરેશી મૂળ રહે. એસ.એસ. રોડ, ક્રૉફર્ડ માર્કેટ, મુંબઈ કે જેની પાસેથી ભારતીય પાસપોર્ટ સૈયદ અબ્બાસ શરીફ, સ/ઓ સૈયદ અબ્બાસ રહે. વિલ્લુપુરમ, તમિલનાડુ વાળો મળી આવેલ.

૩) મોહમ્મદ શોએબ કુરેશી ઉર્ફે શોએબ બાવા મૂળ રહે. મુસાફિરખાના, મુંબઈ કે જેની પાસેથી ભારતીય પાસપોર્ટ સૈયદ યાસીન સ/ઓ અબ્દુલ રહેમાન રહે. ૪૬૩/૩, ૩ર્ડ સ્ટેજ, ૯મી મેઈન પિલ્લાના ગાર્ડન અરેબિક કંપની, સર્વજ્ઞનગર, બેંગ્લોર વાળો મળી આવેલ.

૪) મોહમ્મદ યુસુફ ઈસ્માઈલ ઉર્ફે યુસુફ ભટકા સ/ઓ શેખ ઈસ્માઈલ નૂર મોહમ્મદ મૂળ રહે. મુસાફીરખાન, મુંબઈ કે જેની પાસેથી ભારતીય પાસપોર્ટ મોહમ્મદ યુસુફ ઈસ્માઈલ સ/ઓ શેખ ઈસ્માઈલ નૂર મોહમ્મદ રહે. ૪૦૧, અસ્મિતા બ્રીઝ સીએચએસ, અસ્મિતા ટાઉનશીપ, મીરા રોડ, મહારાષ્ટ્ર વાળો મળી આવેલ.

બોમ્બે બ્લાસ્ટમાં આરોપીઓની ભૂમિકા:

ગુજરાત એ.ટી.એસ. દ્વારા ધરપકડ કરાયેલા આ ચારેય વ્યક્તિઓ, ભારતીય દાણચોર મોહમ્મદ અહેમદ ડોસા ઉર્ફે મોહમ્મદ ડોસાની ગેંગના સભ્યો હતા અને તેઓ ૧૯૮૦ અને ૧૯૯૦ ના દાયકામાં ભારતમાં મોહમ્મદ ડોસાની સોના અને ચાંદીની દાણચોરીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. આ આરોપીઓ એવા વ્યક્તિઓ સાથે સંકળાયેલા હતા જેમણે પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) અને સંયુક્ત રાષ્ટ્ર (યુ.એન.) દ્વારા ઘોષીત વૈશ્વિક આતંકવાદી દાઉદ ઇબ્રાહિમ કાસકર તેમજ તેના સહયોગીઓના કહેવાથી ભારતમાં આતંકવાદ અને વિનાશક કૃત્યો કરવાનું અને આચરવાનું કાવતરું ઘડેલ હતું.

અબુ બકર, સૈયદ કુરેશી, મોહમ્મદ શોએબ કુરેશી અને મોહમ્મદ યુસુફ ઈસ્માઈલ ઉર્ફે યુસુફ ભટકા આ તમામ આરોપીઓ ગેરકાયદેસર રીતે પાકિસ્તાન ગયા હતા અને તેઓએ દાઉદ ઈબ્રાહિમ અને આઈએસઆઈના ઈશારે હથિયારો ચલાવવાની અને વિસ્ફોટકો અંગેની તાલીમ લીધી હતી. આ આરોપીઓ ફેબ્રુઆરી ૧૯૯૩માં મીડલ ઇસ્ટમાં ગયા હતા અને તેઓએ દાઉદ ઈબ્રાહિમ દ્વારા આયોજિત મીટિંગમાં હાજરી આપી હતી જેમાં દાઉદ ઈબ્રાહિમ દ્વારા તે બધાને શસ્ત્રો અને વિસ્ફોટકોની તાલીમ લેવા માટે પાકિસ્તાન જવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ ગેરકાયદેસર રીતે પાકિસ્તાન ગયા હતા અને તેમણે પાકિસ્તાની જાસૂસી સંસ્થાના અધિકારીઓ પાસેથી શસ્ત્રો અને ઇમ્પ્રવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ની બનાવટ તથા ઉપયોગની તાલીમ મેળવી હતી, ત્યારબાદ તેઓ ભારત પરત ફર્યા હતા. આ ચાર ધરપકડ કરાયેલા વ્યક્તિઓમાંથી અબુ બકરે બોમ્બે વિસ્ફોટોના થોડા દિવસો બાદ મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા સમુદ્રમાં શસ્ત્રોના કન્સાઇન્મેન્ટના એક ભાગના નિકાલ કરવામાં પણ ભૂમિકા ભજવી હતી. ૧૯૯૩ ના બોમ્બ બ્લાસ્ટ પછી, આ વ્યક્તિઓએ નકલી અને બનાવટી સરનામાંના દસ્તાવેજોનો ઉપયોગ તેમજ છેતરપિંડી કરીને અલગ અલગ નામ અને ઓળખના ભારતીય પાસપોર્ટ મેળવ્યા હતા અને ભારતમાંથી ભાગી ગયા હતા. ચારેય ધરપકડ કરાયેલા આરોપીઓને મુંબઈ ખાસ ટાડા કોર્ટ દ્વારા ઘોષિત અપરાધી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા અને ઇન્ટરપોલે તેમના નામે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે ધરપકડ કરાયેલા આ ચારેય આરોપીઓએ છેતરપિંડીથી મેળવેલા ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો અને મીડલ ઇસ્ટના ઘણા દેશો સહિત વિવિધ દેશોમાં પ્રવાસ કર્યો હતો. હાલના કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ, ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેમની ભૂમિકાના સંબંધમાં તેઓની કસ્ટડી સીબીઆઈની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા લેવામાં આવશે. ગુજરાત એ.ટી.એસ.ની આ ચારેય વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવાની કામગીરી, બોમ્બે બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા ચાર્જશીટ કરવામાં આવ્યા બાદથી ધરપકડ કરવામાં આવેલ નાસતા-ફરતા આરોપીઓની સંખ્યાના સંબંધમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે.અને એ.ટી.એસ ગુજરાત દ્વારા કરવામાં આવેલ આ ઓપરેશન આશરે ત્રણ દાયકા પહેલા દેશને હચમચાવી નાખનાર ચકચારી બોમ્બે બ્લાસ્ટ કેસમાં ફરાર આરોપીઓને પકડવા અંગેની ભારત સરકારની કટિબધ્ધતા તેમજ અથાક પ્રયાસોને પ્રકાશિત કરે છે.

 

Author : Gujaratenews