અકસ્માત સમયની તસવીર
કુશીનગર,તા.૧૭: ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લામાં ગઇ કાલે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૩ મહિલાઓ અને યુવતીઓનાં મોત થયાં હતાં. અકસ્માતની માહિતી મળતા જ, ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં વહીવટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાત પડવાને કારણે રાહત અને બચાવ કાર્યકરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અકસ્માતમાં માર્યા ગયેલી મહિલાઓ અને બાળકની ઓળખ થઈ ગઈ છે.
જિલ્લાના નૌરંગિયા પોલીસ સ્ટેશન હેઠળના નૌરંગિયા ગામમાં લગ્ન સમારોહના ભાગરૂપે મોટી સંખ્યામાં મહિલાઓ અને છોકરીઓ એક વિધિ માટે કૂવા પાસે એકત્ર થઈ હતી. એકાએક કૂવાનો સ્લેબ તૂટતા ૩૦ મહિલાઓ, બાળકીઓ કૂવામાં પડી ગઇ હતી. સ્થાનિક પોલીસે ગ્રામજનોની મદદથી ૯ને બચાવ્યા, પરંતુ આ અકસ્માતમાં ૧૩ લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતને કારણે લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. આ અંગે પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યુ છે.
નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશનના નૌરંગિયા ગામની શાળામાં મટીકોડવા (લગ્ન પહેલાનો મહિલાઓનો એક પ્રકારનો ડાન્સનો કાર્યક્રમ) દરમિયાન મહિલાઓ અને છોકરીઓ કૂવાના સ્લેબ પર ઉભા હતા. આ દરમિયાન સ્લેબ તૂટીને પડી ગયો હતો. જેના કારણે સ્લેબ પર ઉભેલી ૨૨ મહિલાઓ અને છોકરીઓ પણ કૂવામાં પડી ગઇ હતી.
અચાનક મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ કૂવામાં પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સર્વત્ર બૂમો પડી રહી હતી. દુર્ઘટનાની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમના સ્તરે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલી નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ પણ બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. આ સાથે જ પોલીસના વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંધારાના કારણે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલી પડી હતી.
નેબુઆ નૌરંગિયા પોલીસ સ્ટેશન હેઠળના નૌરંગિયા ગામના સ્કૂલ ટોલામાં રહેતા પરમેશ્વર કુશવાહાના પુત્રના લગ્ન ગુરુવારે થવાના છે. રાત્રે હળદરની વિધિ કરવામાં આવી રહી હતી. પરિવાર અને આસપાસના ગામડાઓની મહિલાઓ ગામના કૂવા પાસે લગ્નની એક વિધિ કરવા ગયા હતા.
આ દરમિયાન મોટી સંખ્યામાં બાળકીઓ પણ તેમની સાથે હતા. મટકોડનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમ જોવા માટે કેટલીક મહિલાઓ અને છોકરીઓ કૂવો અને તેના પર મૂકેલા સ્લેબ પર ચઢી ગયા હતા.સ્લેબ ઘણો જૂનો હોવાને કારણે તે આટલી મોટી સંખ્યામાં લોકોનું વજન સહન કરી શક્યો ન હતો. સ્લેબ અચાનક તૂટી ગયો અને તેના પર ઉભેલી મહિલાઓ અને છોકરીઓ કૂવામાં પડી ગઇ હતી. બચાવ કાર્ય દરમિયાન ઘણા લોકોને બચાવી લેવાયા હતા પરંતુ કૂવામાં ડૂબી જવાથી ૧૩ લોકોના કરૂણ મોત થયા હતા.
મૃતકોના પરિવારજનોને આર્થિક મદદની જાહેરાત
ગ્રામજનો અને પોલીસકર્મીઓએ કોઈક રીતે સીડી લગાવીને કેટલાક લોકોને બચાવ્યા હતા. આ અકસ્માતમાં 13 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને છોકરીઓનો સમાવેશ થાય છે. કૂવામાં પડી ગયેલી અન્ય 9 મહિલાઓને બચાવી લેવામાં આવી હતી. માહિતી મળતાં જ, એડીજી ગોરખપુર, કમિશનર ગોરખપુર, ડીએમ અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉચ્ચ અધિકારીઓએ ઘટના અંગે પૂછપરછ કરી હતી. બાદમાં વરિષ્ઠ અધિકારીઓએ પણ જિલ્લા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મૃતકોના સંબંધીઓને મળ્યા હતા. કુશનિગરના કલેક્ટરે મૃતકના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024