ભારતીય હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડવાની પ્રબળ વકી

16-Apr-2022

નૈઋત્યના ચોમાસાની ઋતનો સામાન્ય વરસાદ ૮૬૮.૫ મિલીમીટર ગણાશે, અગાઉ આ આંકડો ૮૮૦.૬ મિલીમીટર હતો

AHMEDABAD: તાજેતરમાં જ ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે દેશમાં આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તેની આગાહી કરી હતી. હવે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) બુધવારે અને ગુરુવારે વાયવ્ય દિશા તરફના ૨૦૨૨ના ચોમાસાની આગાહી કરી છે.

જે પ્રમાણે, ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. આખા દેશ માટે વરસાદના લોન્ગ પીરિયડ એવરેજ (એલપીએ)માં સુધારો કરવામાં આવ્યો છે.આગાહી પ્રમાણે, છેલ્લા દશકામાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સરેરાશમાં સુધારો જોવા મળ્યો છે.

આઈએમડીના જણાવ્યા અનુસાર, નૈઋત્ય દિશા તરફથી આવતું ચોમાસુ (જૂનથી સપ્ટેમ્બર દરમિયાન) સામાન્ય (એલપીએના ૯૬થી ૧૦૪ ટકા) રહેશે. પેસિફિક પ્રદેશમાં લા નીનાની સ્થિતિ પ્રવર્તી રહી છે. ચોમાસા દરમિયાન લા નીનાની સ્થિતિ ચાલુ રહે તેવી સંભાવના છે.

લા નીનાનો અર્થ થાય છે કે, ભારતમાં વધુ ઠંડી અને વરસાદની સંભાવના છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થાય તેવી શકયતા છે. હવામાન વિભાગે 'સામાન્ય’ સીઝનલ વરસાદના માપદંડમાં પણ ફેરફાર કર્યો છે. ગુરુવારે આપવામાં આવેલી માહિતી પ્રમાણે, નૈઋત્યના ચોમાસાની ઋતુનો સામાન્ય વરસાદ ૮૬૮.૬ મિલીમીટર ગણાશે. અગાઉ આ આંકડો ૮૮૦.૬ મિલીમીટર હતો. આખા વર્ષ દરમિયાન થતાં કુલ વરસાદના આંકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. કુલ વરસાદનો આંક ૧૧૭૬.૯ મિલીમીટરથી ઘટાડીને ૧૧૬૦.૧ મિલીમીટર કરવામાં આવ્યો છે. આગાહી મુજબ, ગુજરાત નૈઋત્યના ચોમાસા પર આધાર રાખે છે અને તેના દ્વારા ૯૬ ટકા વરસાદ પડી શકે છે. ૧૯૬૧થી ૨૦૧૦ અને ૧૯૭૧થી૨૦૨૦ની વરસાદની પેટર્ન જોતાં જાણવા મળ્યું કે અગાઉની સરખામણીમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પડતાં વરસાદમાં નજીવો સુધારો થયો છે. "આ મોડલ સંભાવના આધારિત છે અને તેમને માત્ર દિશા-નિર્દેશકો તરીકે જોવા જોઈએ. આગાહી પ્રમાણે, રાજ્યના અન્ય ભાગોની સરખામણીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે.", તેમ આઈએમડીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું.

Author : Gujaratenews