રાજ્યમાં ચૂંટણીઓની તારીખને લઈ ભારે ચર્ચા, ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાય એવા સંકેત

16-Apr-2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ કચાંરે યોજાશે તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે ચૂંટણીઓ ડિસેમ્બર નહીં પરંતુ વહેલી યોજાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મંત્રીઓને બે મહિના પછી ઉદઘાટન સમારોહમાં નહીં જવા માટેની સૂચનાઓ આપતા રાજ્ય સરકાર જાણે ઈલેક્શન મોડ પર આવી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ચૂંટણી પંચે ડિસેમ્બરમાં ચૂંટણી યોજાય તેવા સંકેતો આપ્યા હતા.

પ્રાપ્ત અહેવાલો અનુસાર તાજેતરમાં એક હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં આમંત્રણ અપાયું હતું ત્યારે સરકારના મંત્રીમંડળના ઉચ્ચ હોદ્દેદારે એમ કહી સ્પષ્ટ ના પાડી દીધી કે જૂનમાં ઈલેક્શનો સમય હશે ત્યારે મોટા નેતાઓ અહીંયા હશે એટલે મારાથી અવાશે નહીં તેવું કહીને ના પાડી દીધી હતી. આ સમયે સરકારના સીનિયર મંત્રીઓની બેઠક પણ ચાલતી હતી અને આ વિધાન ખૂબ જ સૂચક હતું અને ઈલેક્શન વહેલું આવે તેવી શક્યતા જણાઈ રહી છે.આમ ભાજપ સંગઠન ઈલેક્શન મોડમાં આવી ગયું છે. તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરોને પણ આદેશ કરી દેવાયો છે કે આગામી બે મહિનામાં મોટી સંખ્યામાં ઉદઘાટન સમારોહ તથા ખાતમૂહૂર્તો કરવામાં આવે અને તે મુજબ વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પીએમ મોદી પણ ૩ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેમના આગમનથી રાજ્યમાં ચૂંટણીનો માહોલ ઉભો કરવામાં આવશે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવવાના છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીઓ પણ ગુજરાતના પ્રવાસે આવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. એટલું જ નહીં અસદુદ્દીન ઔવેસી પણ આવી ગયા. બીજા પક્ષોના વડાઓ પણ ગુજરાત તરફ વળ્યા છે. જેથી ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ઉભો થઈ રહ્યો છે. આ જોતા લાગે છે. કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરના બદલે વહેલી યોજાય તેમ જણાઈ રહ્યું છે.

Author : Gujaratenews