પટેલ મંત્રીમંડળમાં કુમાર કાનાણીનું પત્તુ કપાય તેવી સંભાવના, હર્ષ સંઘવી અથવા અરવિંદ રાણા મંત્રીપદની રેસમાં
15-Sep-2021
SURAT: આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નબળી કામગીરીનો રેકોર્ડ ધરાવતા તેમજ વિવાદાસ્પદ બની રહેનાર મંત્રીઓની હકાલપટ્ટી નિશ્ચિત છે. તેવામાં સુરતમાંથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)નું પત્તું પણ કપાઈ જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.
ત્યારે સુરતમાં પાટીદારોએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો હોવાથી પાટીદારને ધારાસભ્ય અને મંત્રી પદ મળે તેવી શક્યતા ધૂંધળી દેખાઈ રહી છે. બીજી તરફ મૂળ સુરતી ધારાસભ્યોનો અન્યાય દૂર કરવા અને જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને અરવિંદ રાણાની પસંદગી થઈ શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
ગણપત વસાવા જાતિવાદના સમીકરણને આધારે પોતાનું મંત્રીપદ જાળવી રાખવામાં સફળ થશે તેવું જણાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાદ, જાતિવાદ અને વિસ્તારવાદના સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવશે તે નક્કી છે.
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો હાલમાં માત્ર કિશોર કાનાણી જ મંત્રીમંડળમાં છે. પરંતુ કિશોર કાનાણી રાજ્ય સરકારનો હિસ્સો હોવા છતાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ તેમણે ટ્રાફિક વિભાગના નાયબ પોલીસ કમિશનરને પત્ર લખીને રસ્તા ઉપર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.
આરોગ્યમંત્રી હોવા છતાં કોરોનાકાળમાં પણ તેમની કામગીરી સાવ નબળી જોવા મળી હતી. વરાછા, કતારગામમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છતાં મંત્રી તરીકે કુમાર કાનાણી સરકારની કામગીરીનો પૂરતો પ્રચાર અને પ્રસાર નહીં કરી શકતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો દેખાવ અત્યંત પ્રભાવશાળી રહ્યો હતો.
એટલું જ નહીં કોરોનાકાળમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કુમાર કાનાણીના ઘરનો ઘેરો ઘાલીને ઉગ્ર વિરોધ પણ કર્યો હતો. હવે કુમાર કાનાણીને મંત્રીમંડળમાંથી મુકાય તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. જો સુરતમાંથી પસંદગી કરવાની થાય તો સી.આર.પાટીલ નજીકના ગણાતા હર્ષ સંઘવી (Harsh Sanghvi )અથવા તો મૂળ સુરતી અને અભ્યાસુ અરવિંદ રાણા(Arvind Rana ) પર પસંદગીનો કળશ ઢોળાય તેમ છે.
પૂર્ણેશ મોદી સી.આર.પાટીલ વિરોધી જૂથના હોવાથી તેમનું પત્તું કપાઈ શકે છે તે સ્વાભાવિક બાબત છે. રાજ્યના અન્ય પાટીદારોને વધારે મહત્વ આપ્યું હોવાથી સુરતના પાટીદાર ધારાસભ્યોની નામોની વિચારણા થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024