શ્રીનગરમાં આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સનો હુમલો, 13 જવાન ઘાયલ, 3 શહીદ

14-Dec-2021

જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગર (Srinagar)માં સોમવારે ફરી એકવાર આતંકવાદીઓએ શહેરની બહાર પોલીસ બસ (Police bus)પર કાયરતાપૂર્ણ કૃત્ય કરીને ગોળીબાર કર્યો હતો. આ સાથે હુમલામાં શહીદ થયેલા પોલીસકર્મી (Policeman)ઓની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. સંસદ પર હુમલાની 20મી વરસી પર આતંકવાદીઓએ કરેલા કાયરતાપૂર્ણ કૃત્યમાં 13 પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.

પોલીસે મોડી રાત્રે સ્પષ્ટતા કરી હતી કે, આ હુમલો જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) દ્વારા રચાયેલા કાશ્મીર ટાઈગર્સ જૂથના ત્રણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી પણ ઘાયલ થયો છે. જણાવવામાં આવ્યું છે કે, શ્રીનગર બસ હુમલામાં શહીદ થયેલા ત્રીજા પોલીસકર્મીની ઓળખ કોન્સ્ટેબલ રમીઝ અહેમદ તરીકે થઈ છે.

રાજનેતાઓએ શહેરની સીમમાં સ્થિત જેવાનમાં થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો છે અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સુરક્ષા જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપરાંત મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષોએ પણ આ હુમલાની સખત નિંદા કરી હતી.

જમ્મુ અને કાશ્મીર સશસ્ત્ર પોલીસની 9મી બટાલિયન પર હુમલો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારે સાંજે પંથા ચોક વિસ્તારમાં જેવાન ખાતે આતંકવાદીઓએ 25 પોલીસકર્મીઓને લઈ જતી બસ પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં જમ્મુ અને કાશ્મીર સશસ્ત્ર પોલીસની નવમી બટાલિયનના ઓછામાં ઓછા 13 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

આ પછી, ઘાયલ પોલીસકર્મીઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે આમાંથી બે પોલીસકર્મીઓનું મોત નીપજ્યું હતું. ત્રીજા પોલીસકર્મી રમીઝ અહેમદનું મંગળવારે સવારે મૃત્યુ થયું હતું. જીવ ગુમાવનારાઓમાં સશસ્ત્ર પોલીસના એક આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે.

આતંકવાદીઓની ધરપકડ ચાલુ છે

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક (IGP) વિજય કુમારે જણાવ્યું હતું કે હુમલામાં બેથી ત્રણ આતંકવાદીઓ સામેલ હતા અને તેઓ અંધકારનો લાભ લઈને ભાગી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

13 ડિસેમ્બર, 2001ના રોજ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં પાંચેય આતંકીઓને ઠાર માર્યા હતા. હુમલાની નિંદા કરતા, નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ પણ શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપતા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Author : Gujaratenews