સરદારધામના GBPSનુ સીએમના હસ્તે પ્રમોશન થશે, ગુજરાતની ૨૬ સંસ્થાઓ એક મંચ પર ભેગી થઈ સીએમનુ ભવ્ય સન્માન કરશે

14-Oct-2021

સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ” નાગરિક અભિવાદન સમિતિ દ્વારા તા.15-10-21ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ અને સરદારધામ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022નો પ્રમોશનલ પ્રોગ્રામ-2

 

સરદારધામ એક પ્રતિષ્ઠિત પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થા છે અને સામાજીક, શૈક્ષણિક અને આર્થિક વિકાસની જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. સરદારધામનો મુખ્ય ધ્યેય સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે અને તેને કેન્દ્રમાં રાખીને મિશન અને વિઝન નક્કી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત 2026 સુધી જુદા જુદા ક્ષેત્રોના સર્વાંગી વિકાસ થાય તે માટે 5 લક્ષબિંદુઓ નક્કી કરવામાં આવ્યા છે. આ લક્ષબિંદુઓ પૈકીનું મહત્વનું એક લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS) કે જે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાત સમકક્ષ દર 2 વર્ષે યોજવાનો નિર્ણય કરેલ છે અને આ સમિટના માધ્યમથી ઉદ્યોગ, ધંધાના વિકાસ સાથે રાજ્યના વિકાસમાં પણ યોગદાન બની રહે છે. GPBS 2018માં પ્રથમવાર મહાત્મા મંદીર, ગાંધીનગર તેમજ 2020માં હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ. જેમાં 7 લાખ કરતા વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધેલ. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના પરિપાકરૂપે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન કે જેનું લક્ષબિંદુ 10 હજાર અગ્રણી ઉદ્યોગપતિઓનું સંગઠન પેદા કરવાનું છે.

સરદારધામ દ્વારા 2022નો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ સુરત ખાતે યોજવાનો નિર્ણય કરેલ છે અને તા.26, 27, 28 ફ્રેબુઆરી 2022ના રોજ સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર, સુરતના સ્થળે જુદા જુદા સેક્ટરના પ્રદર્શન સાથે યોજાશે. આ ગ્લોબલ પાટીદાર બિઝનેસનો પ્રમોશનલ કાર્યક્રમ નં.1 તા.18-9-21ના રોજ આ સ્થળે પ્લેટીનમ હોલમાં યોજાઈ ગયેલ છે.

સરદારધામ અને સમસ્ત પાટીદાર સમાજ નાગરિક અભિવાદન સમિતિ દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રના મંત્રીમંડળ તેમજ નવ વરાયેલા રાજ્યમંત્રી મંડળના સભ્યોનું અભિવાદન તા.15-10-21ના રોજ સાંજે 4.30 કલાકે, સંજીવકુમાર ઓડિટોરીયમ, પાલ, અડાજણ, સુરતમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સુરત અને દક્ષિણ ગુજરાતની 26 જેટલી જુદા જુદા સામાજીક સંગઠનો દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મંત્રીશ્રીઓનું પણ અભિવાદન કરવામાં આવશે.

અભિવાદન કાર્યક્રમની સાથે સરદારધામના ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022નો પ્રમોશનલ કાર્યક્રમ નં. 2 પણ માનનીય મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની ડોક્યુમેન્ટરી તેમજ એક્ઝિબિશન અંગેની વિગતો દર્શાવતી માહિતી રજૂ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતના વાપીથી ભરૂચ સુધીના ઔદ્યોગિક તેમજ બિઝનેસના પ્રતિનિધિઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022માં ભાગ લે તે માટે ખાસ અનુરોધ કરવામાં આવનાર છે. સરદારધામ દ્વારા યોજાતા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ આજ સુધી ગાંધીનગર ખાતે યોજાયા છે. સૌ પ્રથમવાર દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક તેમજ બિઝનેસના હબ તરીકે ઓળખાતા સુરતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ તા.26, 27, 28 ફેબ્રુઆરી 2022ના રોજ સુરતમાં યોજાશે, ત્યારે દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક અને બિઝનેસમેનને આ સમિટમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવે છે.

Author : Gujaratenews