સુરત નજીકના ગામડાઓમાં ભૂકંપના હળવા આંચકાથી ગભરાટ

14-Oct-2021

વાંસદા-ચીખલી તાલુકાના ગામડાઓમાં ભૂકંપના હળવા આંચકા : તીવ્રતા ૨.૧

નવસારી જિલ્લાના વાંસદા અને ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને કારણે લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. લોકોનું માનવું છે કે, વાંસદાના જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો થયા બાદ જ અવારનવાર આંચકા આવે છે.

વાંસદા તાલુકાના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. મંગળવારે રાત્રે પણ ૧૨-૪૧એ હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે ૨.૧ મેગ્નિટ્યુડમાં હોવાનું જાણવા મળ્યું હતુ. આ ભૂકંપના આંચકાનું એપી સેન્ટર અંક્ષાસ-રેખાંશ ૨૦.૮૩૬ -૭૩.૩૧૦પર આવેલા વાંસદા તાલુકાના પાલગભણ નજીકમાં હોવાનું સરકારી વેબસાઈટ દ્વારા જાણવા મળ્યું હતું.

જેની ડેપ્થ(ઊંડાણ) ૧૦ કિલોમીટર હતી. ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં પણ આંચકા અનુભવાયા હતા. જેમાં સારવણી, ટાંકડવેલ અને અંબાચ ગમાના રહીશોને હળવા આંચકા અનુભવાતા ગભરાટ ફેલાયો હતો. વાંસદા તાલુકામાં આવેલા જુજ અને કેલીયા ડેમ ઓવરફ્લો થઈ ગયા પછી જ ભૂકંપના આંચકા આવવાના ચાલુ થાય છે.

Author : Gujaratenews