સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ, લોધિકામાં 21 ઈંચ, વિસાવદરમાં 19 ઇંચ, કાલાવાડમાં 16 ઇંચ અને રાજકોટમાં 13 ઈંચથી વધુ વરસાદ
14-Sep-2021
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં 21 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 19 ઈંચ, કાલાવડમાં 16 ઈંચ અને રાજકોટમાં 13 ઈંચ જેટલો વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે 6 કલાક સુધીમાં લોધિકા, વિસાવદર, કાલાવાડ અને રાજકોટમાં 21 ઈંચથી 16 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે રાજ્યના ધોરાજી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, કપરાડા, પડધરી, ધરમપુર, રાણાવાવ, તાલાળા અને મેંદરડા મળી કુલ 12 તાલુકાઓમાં 10 ઈંચથી 6 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત પોરબંદર, વઘઈ, માળિયા, વાપી, વંથલી, જામનગર, જામજોધપુર, ઉપલેટા, ધોલેરા, ધ્રોલ, ઉમરગામ, ડાંગ, માણાવદર, ભેસાણ, વાડિયા, લાલપુર, વાંસદા, ભાણવડ, કુતિયાણા અને કલ્યાણપુર મળી કુલ 20 તાલુકાઓમાં છ ઈંચથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે 61 તાલુકાઓમાં ચાર ઈંચથી એક ઈંચ સુધી અને અન્ય 99 તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યના 97 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 80 ટકા વરસાદ વરસી ચુકયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા, કચ્છ ઝોનમાં 70.36 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 57.69 અને ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.
રાજ્યના એક નેશનલ, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગો અને 162 પંચાયતના માર્ગો મળી કુલ 201 રસ્તાઓ બંધ થયા હતા. એસ.ટી બસોના 55 રૂટ બંધ કરાયા, 121 ટ્રીપો રદ કરાઇ હતી.
ભારે વરસાદને કારણે 14 સપ્ટેમ્બરને સવારે 9 કલાકની સ્થિતિએ રાજ્યના 201 વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગો, 162 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના 55 રૂટ બંધ કરાયા છે અને 121 ટ્રીપો રદ કરાઈ છે.
હાલ જોકે છેલ્લે મળતા અહેવાલો પ્રમાણે, વરસાદે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો છે. જેને કારણે બંધ રસ્તાઓ ફરી શરૂ થયા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024