નવસારીમાં પૂર બાદ ગુજરાત મહારાષ્ટ્રનો સંપર્ક કપાયો, નેશનલ હાઈવે બંધ કરાયો

14-Jul-2022

જિલ્લામાં પૂરને પગલે હજારો લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધી 14 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ છે. નેશનલ હાઇવે નં. 48 પર ચીખલી-આલીપોર માર્ગ પર કાવેરી નદીમાં પૂરને કારણે પાણી ફરી વળ્યાં છે. આ કારણે નેશનલ હાઇવે નં. 48 ચીખલી નજીક બંધ કરાવાયો.

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી 30 ટકા નવસારી પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. વરસાદને પગલે નવસારની ત્રણ મહત્વની નદીઓમાં પૂર આવ્યા છે. તો પૂરને લઈ જિલ્લા તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયું છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવાનો જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે.

નવસારી જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી ડિઝાસ્ટર કચેરીએ ગત રાતથી હાજર છે. જિલ્લામા 2 NDRF ની ટીમ બચાવ માટે કાર્યરત કરાઈ છે. તો નવસારીમાં એક અને બીલીમોરામાં એક તૈનાત કરાઈ છે. સુરત અને વલસાડથી વધુ બે NDRF ની ટૂકડી બોલાવી લેવાઈ છે. જેથી સ્થળાંતરમાં મદદરૂપ થઈ શકે. 

Author : Gujaratenews