સુપર વિલેજ: અહીં ક્યારેય થઈ નથી ગ્રામ પંચાયતની ચૂંટણી, હંમેશા થાય છે સમરસ

13-Dec-2021

મારું ગામ, મારી પંચાયતમાં આજે વાત કરીશું છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના આનંદપુરા ગામની (Ananadpura Village). આ ગામમાં છેલ્લા 60 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ નથી થઈ. સંપ અને સહકારથી દરેક વખતે ગ્રામપંચાયત સમરસ થાય છે. એટલું જ નહીં છેલ્લી ત્રણ ટર્મથી તો ગ્રામપંચાયતની કમાન મહિલાઓને સોંપવામાં આવી રહી છે.

ગામલોકોનો દાવો છે કે, તેમના ગામમાં તમામ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં રસ્તા સારા છે, પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે. તો વિદ્યાર્થીઓની જવાબદારી તો ગામના લોકોએ જ ઉઠાવી લીધી છે. વિદ્યાર્થીઓને યુનિફોર્મ, ફી, પુસ્તકોનો તમામ ખર્ચ ગામલોકો ઉઠાવે છે. ગામની શાળામાં ભણીને વિદેશ સુધી પહોંચેલા લોકો પણ ફાળો આપવામાં જરા પણ કચાશ રાખતા નથી. જાણીએ ગામના લોકો શું કહે છે ?

એક ગ્રામજને કહ્યું કે પંચાયતી રાજ આવ્યું એ બાદ આજદિન સુધી ક્યારેય ગામમાં ચૂંટણી નથી યોજાઈ. એનું કારણ છે સંપ અને સહકાર. ગામના દરેક સભ્યો ભેગા થઈને સામાન્ય સભાનું આયોજન કરે છે. જેમાં વડીલો ઉમેદવાર કોને બનાવવા તે નક્કી કરે છે. ત્યાર બાદ જે વિકાસ કરી શકે એવા વ્યક્તિઓનાં નામ લેવામાં આવે છે અને સર્વાનુમતે નામ નક્કી કરવામાં આવે છે. ગામના એક મહિલાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ ટર્મથી મહિલા સભ્યોએ સારી પ્રગતિ કરી છે. તો આ વર્ષે પણ મહિલા સભ્યોની કમિટી બનાવી છે.

Author : Gujaratenews