વાહનો સંબંધિત નિયમોમાં ફેરફાર, મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન, જુઓ નવી માહિતી

13-Mar-2022

મંત્રાલયે વાહનો સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. વાહન માલિકોએ આ અંગે જાગૃત રહેવું જોઈએ. આ ફેરફાર કાર, મોટરસાયકલ, સ્કૂટી અને અન્ય કોઈપણ પ્રકારના વાહનના સંદર્ભમાં કરવામાં આવ્યો છે.માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) એ વાહન સ્ક્રેપિંગ સુવિધા નિયમોની નોંધણી અને કાર્યો માટે સુધારેલી સૂચના બહાર પાડી છે, જે રજીસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધાની સ્થાપના માટેની પ્રક્રિયાને નિર્ધારિત કરે છે. આ સુધારાઓ સિસ્ટમમાં તમામ માટે વાહન સ્ક્રેપિંગની પ્રક્રિયાને સરળ અને ડિજિટાઇઝ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ઓગસ્ટમાં નેશનલ વ્હીકલ સ્કેપિંગ પોલિસી લોન્ચ કરી હતી. નવી નીતિ હેઠળ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs) જૂના વાહનોને સ્ક્રેપ કર્યા પછી ખરીદેલા વાહનો માટે રોડ ટેક્સ પર 25 ટકા સુધીની કર મુક્તિ આપશે. વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી 1 એપ્રિલ, 2022થી અમલમાં આવશે. આ નીતિ અનુસાર, વ્યક્તિગત વાહનો માટે 20 વર્ષ પછી ફિટનેસ ટેસ્ટની જોગવાઈ છે, જ્યારે કોમર્શિયલ વાહનો માટે 15 વર્ષ પૂર્ણ થયા પછી તે જરૂરી રહેશે.

સ્ક્રેપ પોલિસી શું છે?

આ નવી સ્ક્રેપ પોલિસી અનુસાર 15 અને 20 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે. કોમર્શિયલ વાહનને 15 વર્ષ પછી જંક જાહેર કરી શકાય છે, જ્યારે ખાનગી વાહન માટે તે 20 વર્ષ છે. સરળ શબ્દોમાં કહીએ તો, તમારી 20 વર્ષ જૂની પર્સનલ કાર ભંગારની જેમ વેચવામાં આવશે. વાહન માલિકોએ નિર્ધારિત સમય બાદ ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરમાં લઈ જવાના રહેશે. સરકારનો દાવો છે કે સ્ક્રેપિંગ પોલિસી માત્ર વાહનમાલિકોના નાણાકીય નુકસાનમાં ઘટાડો કરશે નહીં, પરંતુ તેમના જીવનને પણ સુરક્ષિત કરશે. માર્ગ અકસ્માતોમાં પણ ઘટાડો થશે.

ગ્રાહકોને શું ફાયદો?

નવી સ્ક્રેપ નીતિ હેઠળ, નવું વાહન ખરીદતી વખતે સ્ક્રેપિંગ પ્રમાણપત્ર બતાવવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ મળશે. કારને સ્ક્રેપ કરવા પર, કિંમતના 4-6 ટકા માલિકને આપવામાં આવશે. આ સાથે નવા વાહનના રજીસ્ટ્રેશન વખતે રજીસ્ટ્રેશન ફી પણ માફ કરવામાં આવશે.

શું રોડ ટેક્સમાં છૂટ મળશે?

નવી સ્ક્રેપ પોલિસી હેઠળ નવા વાહન ખરીદવા પર 3 વર્ષ માટે રોડ ટેક્સમાં 25 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારો ખાનગી વાહનો પર 25% અને કોમર્શિયલ વાહનો પર 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકે છે.

Author : Gujaratenews