જબ પૈસે નહીં થે તો લોક નહીં કરના થા, કલેક્ટર: ચોરે લખેલી નોટ
દેવાસ : મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં એક સરકારી અધિકારીના ઘરમાં પર્યાપ્ત રોકડ અને કિંમતી સામાન ન મળતાં નિરાશ થયેલા ચોરે એક નોંધ લખીને મૂકી હતી જેમાં પૂછ્યું હતું કે ‘જ્યારે અહીં કોઈ પૈસા નથી તો ઘરને તાળું કેમ લગાડેલું છે', એમ પોલીસે કહ્યું હતું.
આ નોટની એક નકલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં ચોરે હિન્દીમાં લખ્યું હતું ‘જબ પૈસે નહીં થ તો લોક નહીં કરના થા, કલેક્ટર'. કોતવાલી પોલીસ સ્ટેશન ઈન-ચાર્જ ઉમરાવ સિંહે કહ્યું હતું ત્રિલોચન સિંહ ગૌરના ઘરેથી રૂ. 30,000 રોકડ અને અમુક ઘરેણાઓ ચોરી થયા હતાં. ત્રિલોચન સિંહ અત્યારે જિલ્લામાં ખાતેગાંવ શહેરમાં સબ-ડિવીઝનલ મેજિસ્ટ્રેટના (એસડીએમ) પદ પર છે.પંદર દિવસ બાદ એસડીએમ શનિવારે ઘરે પહોંચ્યા ત્યારે તેમને ચોરી થઈ હોવાની ખબર પડી હતી.
નોંધનીય છે કે એસડીએમનું સત્તાવાર નિવાસ સ્થાન જે વિસ્તારમાં છે ત્યાં જિલ્લાનાં ટોચના પોલીસ અધિકારીઓ રહે છે. પોલીસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી છે.
20-Aug-2024