સરદારધામ દ્વારા GPBS-2022 ની કર્મયોગી ટીમનો ઋણસ્વીકાર કાર્યક્રમ યોજાયો

12-Oct-2022

યુવાનોના સર્વાગી વિકાસ માટે જરૂરી એવા પાયાના વિષય શિક્ષણ, વેપાર, ધંધો, રોજગાર પર કામ કરતી સંસ્થા એટલે સરદારધામ. આ સંસ્થા દ્વારા એપ્રિલમાં સુરત ખાતે યોજાયેલ GPBS-2022માં તેની ટીમ દ્વારા નિસ્વાર્થ ભાવે કોઈપણ અપેક્ષા વગર પોતાનો કિંમતી સમય આપીને તન અને મનથી રાત દિવસ એક કરીને પોતાનું યોગદાન અપાયું હતું. GPBS-2022 ને સફળ બનાવવા માટે આ ટીમે કોઈપણ કામને નાનું સમજ્યા વગર શરમ છોડીને તમામ કામ કર્યું છે. આ કર્મયોગી સભ્યોનો GPBS-2022ને સફળ બનાવવામાં મુખ્ય અને પાયાનો ફાળો રહ્યો છે. બીજી રીતે જોઇયે તો આ કર્મયોગી સભ્યો આ કાર્ય ત્યારે કરી શક્યા છે જ્યારે પરોક્ષ રીતે એમના પરિવારનો પણ એમને સહયોગ રહ્યો છે. આવા કર્મયોગી ભાઇઓ-બહેનોનો પરિવાર સાથે સમસ્ત પાટીદાર સમાજની વાડી, સુરત ખાતે ઋણ સ્વીકાર ભોજન સાથેનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યોજાયેલી આ સમીટમાં સાડા સાત લાખ લોકોએ મુલાકાત લીધી હતી. જ્યાં એકબીજાની સમજણ મળે છે ત્યાં મોટું કામ પણ સહેલું થઈ જાય છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું GPBS. જે ધ્યાને લઈને આ કાર્યક્રમનું નામ 'સમજણનો સમન્વય' રખાયું હતું. આ કાર્યક્રમમાં ઉપપ્રમુખ (દક્ષિણ ગુજરાત) નાનુભાઇ વાનાણી (માજી શિક્ષણમંત્રી-ગુજરાત રાજ્ય) , સરદારધામના દક્ષિણ ગુજરાત ઝોનના ટ્રસ્ટી તેમજ આ સંસ્થાના પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયાએ પણ હાજરી આપી હતી. પ્રમુખસેવક ગગજીભાઇ સુતરીયાએ ન ભુતો ન ભવિષ્ય એવી GPBS-2022ને સફળ કરવા બદલ તમામ યુવા ટીમ, કર્મયોગી ભાઇ-બહેનો સાથે-સાથે તેમના પરિવાર સભ્યોનો પણ આભાર માન્યો હતો. ભોજન બાદ યોજાયેલા રાસ ગરબામાં સભ્યો મન મૂકી રમ્યા હતા. આ કાર્યક્રમમાં GPBO - યુવા તેજ તેજસ્વીની સંગઠન હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Author : Gujaratenews