સુરતમાં વહેલી સવારે અમીછાંટણા, ઝરમર વરસાદ સાથે સુગંધ પ્રસરી

11-Jun-2022

મુંબઈમાં ચોમાસું અધિકૃત રીતે પ્રવેશી ચૂક્યું છે અને મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે. ત્યારે ગણતરીના દિવસોમાં જ રાજ્યમાં ચોમાસું પહોંચે તેવી શક્યતા છે. ત્યારે સુરતમાં રવિવારે વહેલી સવારે અમીછાંટણા સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. સાથે સુગંધ પ્રસરી જતા વાતાવરણ ખુશનુમા થઇ ગયું હતું.ગુજરાતના ખેડૂતો માટે હવે સારા સમાચાર છે કે ચોમાસું હવે ફરી મજબૂત બની રહ્યું છે અને તે હવે આગળ વધશે.

 

હવામાન વિભાગનું કહેવું છે કે અરબ સાગરનું ચોમાસું હવે ગુજરાત તરફ આગળ વધશે. જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ ગયો છે.

તો આપણે જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો, ચોમાસું ક્યારથી આગળ વધશે અને ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચશે?

અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડ્યાના અહેવાલ છે. સાવરકુંડલાના વીજપડી અને આજુબાજુના વાડી વિસ્તારોમા વરસાદ પડ્યો છે.

અમરેલીના ગોપાલગ્રામ, બાબરા, ચલાલા, બાદ કુંકાવાવ ખાતે વરસાદનું આગમન થયું છે. મોટી કુંકાવાવ અને જાફરાબાદ શહેરમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે.

જાફરાબાદના કાંઠા વિસ્તારના ગામોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. બાબરા શહેરમા પણ પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે.

તો બગસરાના ખારી ગામમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. ચલાલા શહેર અને આસપાસના ગરમલી, માળીલા, દેવરાજિયા, સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

ચલાલાથી માળીલા જવાના માર્ગમાં પાણી ભરાઈ ગયા છે. ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

મોરબીના વાંકાનેર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ઝાપટાં પડ્યાં છે. જૂનાગઢ અને વીસાવદરમાં પણ વરસાદનું આગમન થયું છે.

વરસાદી માહોલથી જૂનાગઢ શહેરમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો. ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશહાલ છે. મેઘરાજાએ પધરામણી કરીને અગિયારસનું મુહૂર્ત સાચવ્યું છે.

વલસાડ જિલ્લામાં મધ્ય રાત્રીએ વરસાદનું આગમન થયુ છે. વલસાડ શહેર તેમજ આજુબાજુનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી.શહેરના છીપવાડ તેમજ મોગરાવાડી અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો.પ્રાપ્ત અહેવાલો અનુસાર, વરસાદને કારણે સમગ્ર વલસાડ શહેરમાં વીજળી પણ ખોરવાઈ હતી. જેને લઈને શહેરમાં વીજ કંપની દ્વારા નબળી પ્રિમોન્સૂન કામગીરી છતી થઈ હતી.વરસાદને લીધે લોકોને ગરમીથી રાહત મળી હતી.

Author : Gujaratenews