મહેસાણાની ફેમસ લોકગાયિકા કાજલ મહેરિયાનું ટી શર્ટ ફાડી, તેના ભાઈ અને ડ્રાઈવરને માર મારી લૂંટી લીધા

11-May-2022

પાટણ : ધારપુરમાં એક ખાનગી લગ્ન પ્રસંગમાં પ્રોગ્રામ કરવા માટે આવેલી મહેસાણાની ફેમસ લોકગાયિકા કાજલ મહેરિયા, તેના ભાઈ અને ડ્રાઈવર ઉપર અગાઉ સાથે કામ કરતા શખ્સ સહિત અન્ય ૪ શખ્સોએ હુમલો કરીને સોનાની કંઠી લૂંટી લીધા બાદ ગાડીમાં તોડફોડ કરી હતી. આ અંગે ભયભીત થયેલી સિંગરે પોલીસને જાણ કરી ધારપુર હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પાંચેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.
ઉત્તર ગુજરાતમાં સુપ્રસિધ્ધ લોકગાયિકા કાજલ મહેરિયા સોમવારે સાંજે ધારપુરમાં એક લગ્ન પ્રસંગમાં સંગીતનો પ્રોગ્રામ કરવા પહોંચી હતી ત્યારે ધારપુરની ડેરી પાસે ભાઈ સંદીપ, સંગીત ગ્રુપ કે.એમ.ડીજીટલના ઓર્ગેનાઈઝર સહિતના સાથે હતા. ત્યારે અગાઉ તેમના ગ્રુપમાં કામ કરી ચૂકેલો રમુ શકરાભાઈ રબારી (રહે. દીગડી)એ ૪ શખ્સો સાથે આવી મારઝૂડ શરૂ કરી હતી તથા ગાડીના કાચ તોડી નાંખ્યા હતા. કાજલની ટીશર્ટ ફાડી તેમજ ૬ તોલાની સોનાની કંઠી ઝુંટવી જાતિ વિષયક બોલ્યાની ફરિયાદ નોંધાવી હતી.
ઉછીના પૈસા ન આપતાં રમુ રબારી ગ્રૂપમાંથી નીકળી ગયો હતો. હુમલાખોર રમુ શકરાભાઈ રબારી અગાઉ તેમના ગ્રુપમાં જ કામ કરતો હતો. પરંતુ તે અવારનવાર પૈસાની માંગણી કરતો તેમજ ઉછીના પૈસા માંગતો હોવાથી તેને પૈસા ના આપતા તે ગ્રુપમાંથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તે કાજલને અન્ય પ્રોગ્રામમાં બોલવતો હતો, પરંતુ કાજલ તે પ્રોગ્રામમાં જતી ના હોવાની અદાવત રાખીને રમુ શકરાભાઈ રબારીએ કાજલના કાફલા ઉપર હુમલો કર્યો હતો.

Author : Gujaratenews