Google મને કહે છે તું મરી જા, સુરતના રાણા સમાજની યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

11-Mar-2024

સુરત :મોબાઈલ પર સોશિયલ મિડીયાની લતના કારણે ડિપ્રેશનનો શિકાર બનેલી ગોપીપુરાની યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીની ડિપ્રેશનની બીમારીથી સારવાર પણ ચાલી રહી હતી.

સુરતના અલગ અલગ વિસ્તારમાં આપઘાતના પાંચ જુદાજુદા બનાવો

ગોપીપુરા મોટી છીપવાડ મહાદેવ એપાર્ટમેન્ટ ખાતે રહેતા નરેન્દ્રભાઈ રાણા જરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની 20 વર્ષીય પુત્રી વિશાખા ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યા બાદ જરીના કામમાં મદદરૂપ થતી હતી. તેને મોબાઈલ ફોનની લત લાગી હતી. સતત સોશિયલ મિડીયા પર વ્યસ્ત રહેતી વિશાખા આ લતના કારણે ડિપ્રેશનનો શિકાર થઈ હતી. જેથી તેની સારવાર પણ ચાલી રહી હતી. દરમ્યાન શનિવારે સાંજે તેણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં મોબાઈલ ફોનની લતના કારણે માનસીક બીમાર થતા તેણે આત્મહત્યાનો પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

અધુરામાસે જન્મેલી બાળકીના મોત બાદ તણાવ ગ્રસ્ત માતાનો આપઘાત

ગોડાદરા સુપર સિનેમા પાસે આસ્તીક એપાર્ટમેન્ટ ખાતે રહેતા કમલકુમાર મંડલ ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરે છે. તેમના પત્ની પુતુલકુમારીએ શનિવારે રાત્રે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 6 મહિના પહેલા તેમને અધુરા માસે બાળકીનો જન્મ થયો હતો. જેનું થોડા દિવસોમાં મોત નિપજ્યું હતું. તેના કારણે પુતુલકુમારી તણાવમાં રહેતા હતા અને તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હતું.

અલથાણના યુવકનો ફાંસો ખાઈ આપઘાત

અલથાણ સર્વોત્તમ હોટેલના પાર્કીંગમાં રૂમમાં રહેતો 18 વર્ષીય દિનેશ સુના બુમડીયા પદંર દિવસ પહેલા સુરત આવ્યો હતો અને કાકા સાથે સફાઈનું કામ કરતો હતો. શનિવારે તેણે હોટેલના પાર્કિંગમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રેમપ્રકરણમાં તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

બેકારીથી કંટાળી પાંડેસરાના યુવકનો આપઘાત

ડિંડોલી રામીપાર્ક ખાતે રહેતો 20 વર્ષીય સિધ્ધાર્થ સંજય ચીત્તે અગાઉ હીરાના કારખાનામાં કામ કરતો હતો. હાલ નોકરી છુટી ગઈ હોવાથી બેકાર હતો. શનિવારે રાત્રે તેણે પાંડેસરા નાગસેન નગર ખાતે રહેતા તેના માસીના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બેકારીથી કંટાળીને તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

કતારગામમાં પરણિતાનો ફાંસો ખાઈ આપઘાત

કતારગામ કુબેરનગર-1 ખાતે રહેતા ધર્મેન્દ્રસિંગ ગૌતમ ચાનો સ્ટોલ ચલાવે છે. તેમના 22 વર્ષીય પત્ની સંજનાબેને શનિવારે મોડી રાત્રે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેમણે ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી.

Author : Gujaratenews