20 દિવસે પણ મૃતદેહ સુરત ન પહોંચતા આજે હેમિલનો પરિવાર મોસ્કો નીકળશે

11-Mar-2024

Surat: યુક્રેનમાં હેમિલના મૃત્યુની ઘટનાના  20 દિવસ વિત્યા બાદ ડેડબોડી સુરત ના પહોંચતા પરિવારે રશિયાના મોસ્કો જવા આજે તૈયારી કરી છે.

ઓલપાડ-કામરેજ પોલીસે હેમિલને મોકલનાર એજન્ટોનો રિપોર્ટ બનાવ્યો

તંત્રએ આવવાની તારીખની સ્પષ્ટતા ન કરતા આખરે રેઢીયાળ કામગીરીથી કંટાળી હેમિલના પિતા અશ્વિનભાઇ  માંગુકીયા, કાકા સુરેશભાઇ અને અન્ય સભ્ય લલિતભાઇ સોમવારે રાત્રે ડેડબોડી અંગે મુંબઇથી રશિયાના મોસ્કો જશે. હેમિલના પરિવારની સ્થાનિક તંત્રને રજૂઆતો છતાં સંવેદના ન દેખાડાતા રશિયા જવા સોમવારની ફ્લાઇટ બુકિંગ કરાવી છે.
વેલંજા નજીક ઉમરા ગામે શિવ બંગ્લોઝમાં રહેતા અને મૂળ ગારિયાધાર નજીકના પાલડીના વતની હેમિલ અશ્વિનભાઇ માંગુકીયા (23) ગત 21મીએ યુક્રેનમાં મિસાઇલ સ્ટ્રાઇકમાં શહીદ થયા હતા. 
આ પ્રકરણમાં હેમિલ બાદ વધુ એક ભારતીય યુવકના મોતથી દેશભરમાં સીબીઆઇએ હ્યુમન ટ્રાફિકિંગને લઈને કડકાઈ દાખવતા મુંબઇના એજન્ટો ભાગી છૂટ્યા છે. બીજી તરફ ઓલપાડ તથા કામરેજ પોલીસે હેમિલના ઘરે એજન્ટો વિશે રિપોર્ટ તૈયાર કર્યો છે.

મેયર દક્ષેશ માવાણી પર ઇમેઇલ આવ્યો
મેયર દક્ષેશ માવાણીએ હેમિલની ડેડબોડી મામલે રશિયામાં આવેલી ઇન્ડિયન એમ્બેસી તરફથી સુરતના મેયરના ઓફિશિયલ આઇડી પર થોડા દિવસ અગાઉ એક ઇમેઇલ આવ્યો હોવાનું જણાવ્યું છે.  જેમાં અઠવાડિયામાં જ હેમિલની ડેડબોડી સુરત આવી જશે તેવી સત્તાવાર માહીતી આપી છે. પરંતુ કઈ તારીખે આવશે તેવી કોઇ સ્પષ્ટતા ઇમેઇલમાં ન હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ હેમિલના પરિવારના ત્રણ સભ્યો મુંબઇથી રશિયાના મોસ્કો એરપોર્ટ પર જવા સોમવારે સાંજે બહરિન-મોસ્કો ફ્લાઇટમાં રવાના થશે. જે મંગળવારે પહોંચશે.

Author : Gujaratenews