ચેતવણીરૂપ કિસ્સો:સુરતમાં 17 વર્ષની તરુણીએ શારીરિક સંબંધો બાંધવા 13 વર્ષના તરૂણનું અપહરણ કર્યું, પછી ન થવાનું થયું...

11-Mar-2022

પ્રતિકાત્મક તસવીર.

ટીનેજરના માતા-પિતા માટે સુરતના વરાછામાં ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે. 17 વર્ષની તરુણી 13 વર્ષના તરૂણને ભગાડી ગઈ છે. એટલું જ નહી શારીરિક સંબંધ બાંધતા તરૂણ સામે ગુનો નોંધાયો છે.

સુરતના વરાછા પાટીચાલ વિસ્તારમાં રહેતા શ્રમજીવીની ૧૭ વર્ષ ૮ મહિનાની પુત્રી વેલેન્ટાઈન ડેના બીજા દિવસે ગુમ થતા પરિવારે અપહરણ થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ-દુષ્કર્મના આ ગુનામાં માત્ર 13 વર્ષના તરુણની અટકાયત કરી છે. તરુણી ફુટપાથ પર રહેતા 13 વર્ષના તરુણને ભગાડી ગઇ હતી અને શરીરસબંધ બાંધ્યો હતો. પોલીસે અપહરણના ગુનામાં દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં રહેતા શ્રમજીવીના બે પુત્ર-એક પુત્રી પૈકી સૌથી નાની પુત્રી ચાંદની (ઉ.૧૭ વર્ષ ૮ મહિના, નામ બદલ્યું છે) ગત ૧૫ ફેબ્રુઆરીના રોજ તેના માતાપિતા અને બંને ભાઈ કામ પર ગયા હતા ત્યારે ગુમ થઈ ગઈ હતી. સાંજે ઘરે પરત ફરેલા પરિવારે તેની શોધખોળ કરી હતી પણ તેની ભાળ નહીં મળતા છેવટે ૧૮ ફેબ્રુઆરીની સાંજે કોઈકે તેનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાવી હતી. દરમિયાન, ચાંદની ગત પાંચમીના રોજ પરત ફરી હતી. વરાછા પોલીસે પુછપરછ કરતા ચાંદનીએ જણાવ્યું હતું કે તે નજીકમાં ફૂટપાથ પર રહેતા ૧૩ વર્ષ ૧૧ મહિનાની ઉંમરના તરુણને ભગાવીને જાતે ગઈ હતી અને બંનેએ શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આથી વરાછા પોલીસે અપહરણના ગુનામાં દુષ્કર્મની કલમનો ઉમેરો કરી ગતરોજ તરુણની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે પુખ્તતાને આરે પહોંચેલી તરૂણી જાતે જ તરુણને ભગાવી ગઈ હતી છતાં 13 વર્ષનો તરુણ અપહરણ-દુષ્કર્મના ગુનાનો આરોપી બન્યો છે.

Author : Gujaratenews