ઘરે લક્ષ્મીજી અવતર્યાના 14 દિવસ બાદ ઓનલાઈન ગેમમાં 30 લાખનું દેવું થતાં અડાજણના યુવકનો આપઘાત
11-Mar-2022
તસવીર: સાગર ત્રિકાંડે
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઘરે લક્ષ્મીજી અવતર્યાના 14 દિવસ બાદ ઓનલાઈન કસીનો ગેમમાં 30 લાખનું દેવું થતાં અડાજણના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. અડાજણ વિસ્તારમાં રહેતો અને જંબુસરનો વતની અને હજીરાની L&T કંપનીમાં નોકરી કરતો યુવક ઓનલાઈન કસીનો ગેમના રવાડે ચઢતા 30 લાખનુ દેવુ થઈ ગયું હતું. જેથી ફાંસો ખાઈ લીધો હતો.
અડાજણ પાલ વિસ્તારમાં રાજ કોર્નરની ગલીમાં સુડા આવાસમાં રહેતા સાગર કિશોરરાવ ત્રિકાંડે(29) હજીરા એલ એન્ડ ટી કંપનીમાં ફીટર હતો. બુધવારે રાત્રે તેણે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરી હતી. ઓનલાઈન કેસીનોમાં ૩૦ લાખનું દેવું થતા આપઘાત કરી રહ્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. સ્યુસાઈડ નોટમાં લખ્યું કે, મેં જીવનની મોટી ભૂલ કરી છે, કંઈ કરી શકતો નથી.
ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક 14 દિવસ પહેલાં જ પિતા બન્યો હતો. પોલીસને સાગર ત્રિકાંડેએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે ઓનલાઈન કેસીનોમાં રૂ.૩૦ લાખનું દેવુ થઈ જતા આપઘાતનું પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાગર L&T - MHPS Boilers Pvt. Ltd.મા નોકરી કરતો હતો અને H.S.Shah High School અભ્યાસ કર્યો હતો.
સાગરના ઘરે પુત્રીનો જન્મ થયો અને તેણે જીવનલીલા સંકેલી: સાગરની પત્ની પ્રસુતિ માટે વડોદરા પિયર ગઈ હતી અને 14 દિવસ પહેલા જ પુત્રીનો જન્મ થયો હતો. બુધવારે રાત્રે અચાનક સાગરે આપઘાતનું પગલું ભરતા પરિવારની ખુશી શોકમાં ફેરવાઈ ગઈ છે.
સુસાઇડ નોટ: હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જબરદસ્તી ક દબાણ નથી. મે મારા જીવનની એટલી મોટી ભૂલ કરી છે કે કઈ કરી શકતો નથી. હું જુગારમાં ઓનલાઈન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આત્મહત્યા કરૂ છુંં.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024