Ashish Parmar: શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઉઠવું એ જ મોટી વાત છે. તેમાંય દરરોજ સવારે 5 વાગ્યે પર્યાવરણ માટે કાર્ય કરવું એ એનાથી પણ મોટી વાત છે. એ પણ 365 દિવસ.. જી હા, ગમે તેવી ઠંડી હોય કે વરસાદ હોય ગ્રીન આર્મી સુરત શહેરને શુદ્ધ ઓક્સિજન વાળું બનાવવા વર્ષ 2016થી વૃક્ષોનું વાવેતર કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.જે ખુબજ મોટી વાત છે. સેવાઓ તો અનેક પ્રકારે થઈ રહી છે પણ જેને ખરેખર સાચા સેવાના યોદ્ધાઓ કહી શકાય એવા કાર્યો કરતી ટીમ એટલે ગ્રીન આર્મી.
વૃક્ષ ઉછેર અભિયાન-સુરત જે 365 દિવસ દરેક ઋતુમાં પોતાનું કર્તવ્ય સમજીને આ પર્યાવરણ લક્ષી કાર્ય વહેલી સવારે 35 થી વધારે સભ્યો સાથે મળી કરે છે. આપણે જે વૃક્ષો માટે લાગણીઓ ભરી વાતો સાંભળીએ છીએ એ જ વાતોને સાર્થક કરતા આ સંસ્થા દ્વારા વૈદિક પધ્ધતિથી શ્લોકઉચ્ચારણ સાથે છોડમાં રણછોડ છે એ ભાવ સાથે 25,000 થી વધુ વૃક્ષો વાવી માવજત થાય છે. સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં જે કાર્ય smc ના સહયોગથી થવું જોઈએ એ કાર્ય સ્વયંભુ આ ટીમ પોતાની ફરજ સમજીને એક જનૂન સાથે કરી રહી છે. જ્યારે વહેલી સવારે લોકો ભર નિંદ્રામાં હોય છે ત્યારે આ સભ્યો શહેરના અનેક વૃક્ષો ને પોતાના બાળકોની જેમ ઉછેર કરી રહ્યા છે. સલામ છે આવા કર્મનિષ્ઠ ટીમ સભ્યોને જે આ કાર્યને કર્મ સમજી પોતાનો રાષ્ટ્ર ધર્મ નિભાવી રહ્યા છે.
તુલશીભાઈ માંગુકિયા, હીરાભાઈ કાકડીયા, મનસુખભાઇ કાસોદરિયા, ભરતભાઇ વાવડીયા, અરવિંદભાઈ ગોયાણી, કે કે કથીરિયા આ ટીમમાં કાર્યરત છે. એમની પાસેથી જાણવા મળ્યું કે આજીવન અમે અમારી ટીમ સાથે આ કાર્ય શરૂ રાખીશું. શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ જ્યારે અનેક પ્રકારની સેવા કરી રહી હોય ત્યારે અમે સમાજના દરેક સારા નરસા પ્રસંગે આ કાર્યને સાથે લઈ વૃક્ષોરોપણ કાર્યને ઉજાગર કરતા રહીશું. દેશની શહાદત માટે જેમણે રાત દિવસ જોયા વગર દેશની સેવા કરી તેમજ પરિવારની ચિંતા કર્યા વગર પોતાની જાન ન્યોછાવર કરી. એવા CDS જનરલ બિપિન રાવતજી ને 511 વૃક્ષો વાવવાના સંકલ્પ સાથે સાચી શ્રદ્ધાજલી આપી છે. આ કાર્યમાં શહેરની યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ,મહાકાલ ચેરીટેબલ ટ્રસ્ટ,ત્રિદેવ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ,મહુવા જેસર પટેલ સમાજ,મહિલા મધર ચેરીટેબલ ટ્રસ્ટ, યુવા 4 ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ સંસ્થાઓને સાથે રાખીને 125 ટી ગાર્ડ સાથે વૃક્ષોનું રોપણ ઉત્રાણ ખાતે થયું હતું. આ કાર્યના સ્પોન્સર યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડસ દ્વારા આ સેવાને સાચા અર્થમાં સહયોગ પૂરો પડાયો છે. દાતા મનહરભાઈ સાચપરા દ્વારા સંસ્થા દ્વારા થતી આ સેવાને બિરદાવવામાં આવી હતી.
20-Aug-2024