અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા મોટી દુર્ઘટના : કુલ ૧૬ લોકોના મોત : ૪૦થી વધુ ગુમ

10-Jul-2022

જમ્‍મુ તા. ૯ : જમ્‍મુ-કાશ્‍મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભારે પૂરમાં અનેક શ્રદ્ધાળુઓ તણાઇ ગયા હતા. અત્‍યાર સુધીમાં ૧૬ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જયારે ૪૫થી વધુ લોકો ઘાયલ થયા છે. જયારે ૪૦થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. તેમની શોધમાં રેસ્‍ક્‍યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ITBP અને NDRFની ટીમો સ્‍થળ પર ખડા પગે ઊભી છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. શનિવાર સવારથી ફરી એકવાર કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.

હવાઈ બચાવ કામગીરીના ભાગરૂપે આજે સવારે ૬ યાત્રાળુઓને બહાર કાઢવામાં આવ્‍યા હતા. નિલાગર હેલિપેડ પર મેડિકલ ટીમો હાજર છે. માઉન્‍ટેન રેસ્‍ક્‍યુ ટીમ અને અન્‍ય ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે.જમ્‍મુ-કાશ્‍મીરના લેફટનન્‍ટ ગવર્નર મનોજ સિંહા સતત સ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રીને પણ રાહત અને બચાવ કાર્યની જાણકારી આપી છે. એલજી દ્વારા કહેવામાં આવ્‍યું છે કે સીઆરપીએફ, એનડીઆરએફ, એસડીઆરએફ, બીએસએફ, આર્મી, સ્‍થાનિક પોલીસ અને શ્રાઈન બોર્ડ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ઘાયલોને બચાવવા માટે ALH હેલિકોપ્‍ટર તૈનાત કરવામાં આવ્‍યા છે. તેમણે કહ્યું કે લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. યાત્રિકોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.

બચાવ કાર્યમાં સર્ચ અને રેસ્‍ક્‍યુ ડોગ્‍સ પણ તૈનાત કરવામાં આવ્‍યા છે. શરીફબાદથી બે સર્ચ ટીમો અને રેસ્‍ક્‍યુ ડોગ્‍સને હેલિકોપ્‍ટર દ્વારા પવિત્ર ગુફામાં લઈ જવામાં આવ્‍યા છે.

Author : Gujaratenews