વડોદરા : સામુહિક દુષ્કર્મ કેસ: ઓએસીસ સંસ્થાના કર્મચારીઓની છ કલાક પૂછપરછ કરાઇ

09-Dec-2021

ગુજરાતમાં નવસારીની( Navsari)યુવતી આત્મહત્યા(Suiside)કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.આત્મહત્યા કેસમાં વડોદરાની(Vadodara) ઓએસીસ(Oasis)સંસ્થા શંકાના ઘેરામાં ફસાઇ છે.ત્યારે ઓએસીસ સંસ્થા વિરુદ્ધ નોંધાયેલ કેસમાં તપાસ તેજ કરાઇ છે.ઓએસીસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવી ટાપણીયા અને સહ અધ્યાયી દિનકલ ગાયકવાડની 6 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.આ ઘટનાક્રમ વચ્ચે હવે વડોદરા ક્રાઇમ બ્રાંચે ઓએસીસ સંસ્થાના સંચાલક સંજીવ શાહ, પ્રિતિ નાયર, મૃતકની બહેનપણી વૈષ્ણવી ટાપરીયા સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

પીડિતા સાથે બનેલી ઘટનાના સમયે દિનકલ ગાયકવાડ જમ્મુ કાશ્મીર હોવાનો ખુલાસો થયો છે.એટલું જ નહીં ઓએસીસના પબ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં દિનકલ ગાયકવાડ પેજસેટર તરીકે કામ કરતી હતી.અને મૃતક પીડિતા પણ પબ્લિકેશન ડિપાર્ટમેન્ટમાં જ કામ કરતી હતી.ઓએસીસમાં વર્ષ 2019માં મૃતક પીડિતા અને દિનકલ ગાયકવાડ ટ્રેનિંગ પ્રોજેકટમાં સાથે જ હતા.બીજી તરફ વડોદરા ક્રાઈમ બ્રાંચની એક ટીમ નવસારી પણ પહોંચી છે સિનિયર અધિકારીઓની ટીમ નવસારી સર્કીટ હાઉસ ખાતે પીડિતાની માતા સહિત અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી હતી. સાથે જ વડોદરા પોલીસે ઓએસીસ સંસ્થામાં રહેતી યુવતીના પિતાના નિવેદન પણ નોંધ્યા હતા. આ મામલે પોલીસે કુલ ત્રણ લોકોના નિવેદન નોંધ્યા હતા વણઉકેલ દુષ્કર્મ અને આત્મહત્યાના કેસમાં ઉચ્ચ અધિકારીઓ કડી મેળવવા પૂછપરછ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક યુવતીએ આત્મહત્યા કરતા પહેલા છેલ્લો મેસેજ સંજીવ શાહને કર્યો હતો. પણ સંજીવ શાહે ઘટનાની જાણ હોવા છતા કોઇને જાણ કરી ન હતી. સંજીવ શાહ અને તેના મળતિયા પોલીસને અત્યાર સુધી ગેરમાર્ગે દોરતા હતા.યુવતીના મોત પહેલા ડાયરીમાં ઘટનાનો ઉલ્લેખ હતો પણ ડાયરીનું અડધું પાનું મોત વખતે ફાટેલું હતું. આ દિશામાં ક્રાઇમ બ્રાંચ અને SIT તપાસ કરતી હતી જેમાં અંતે પોલીસને સંજીવ શાહ અને સંસ્થાના હોદ્દેદારો પર શંકા ગઇ હતી. ક્રાઇમ બ્રાંચે સંજીવ શાહ અને બીજા બે સંચાલકો સામે કેસ દાખલ કર્યો છે. ઓએસીસ સંસ્થાના સંચાલકો સામે ગુનો દાખલ થયા બાદ હવે પોલીસનું આગળનું પગલું શું હશે તેના પર સૌની મીટ મંડાઇ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની ખાતરી આપી ચુકયાં છે. 

Author : Gujaratenews