સુરતમાં વરસ્યો રાહતનો વરસાદ, ઉકાઈ ડેમની સપાટી 334 ફૂટને પાર

08-Sep-2021

સુરત (Surat) શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ આજે વહેલી સવારથી શહેરના છૂટા છવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. જિલ્લામાં પણ મહુવા, માંડવી અને ઓલપાડમાં હળવો વરસાદ નોંધાયો છે. જોકે સિઝનમાં પહેલી વખત ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીની આવક 1.30 લાખ ક્યુસેક પર પહોંચતા ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 334 ફૂટને પાર થઈ ચૂકી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના વચ્ચે છેલ્લા બે દિવસથી સુરતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ગઈકાલે બપોર બાદ શ્રીકાર વરસાદને પગલે ઠેકઠેકાણે નીચાણવાળા વિસ્તારવામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

 

 

 

ઉધના, પાંડેસરા, ભેસ્તાન, અડાજણ, ઉન અને કાદરશાની નાળ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે ગઈકાલ રાતથી વરસાદનું જોર ઘટવા પામ્યું હતું અને આજે બપોરે 12 વાગ્યા સુધી શહેરના તમામ ઝોનમાં સામાન્ય વરસાદ જ નોંધાવા પામ્યો હતો. જોકે બે દિવસથી વરસી રહેલા વરસાદ શહેરીજનો અને ધરતીપુત્રો માટે રાહતનો વરસાદ સાબિત થયો છે.

 

 

 

ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ જોર પકડતા ડેમની સપાટીમાં રોજ એક ફૂટનો વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સુરતવાસીઓ માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટી ચાલુ વર્ષે સત્તાધીશો માટે ચિંતાનો વિષય બની હતી. પરંતુ છેલ્લા ચારેક દિવસથી જે રીતે ડેમના ઉપરવાસમાં પાછોતરા વરસાદનું જોર વધ્યું છે. તે જોતા આગામી દિવસોમાં ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 340 ફુટ પર પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

 

 

 

છેલ્લા બે દિવસથી સુરત શહેર-જિલ્લા અને ઉપરવાસમાં વરસાદને પગલે શહેરની સીમાડા અને ભેદવાડ ખાડીની સપાટી ભયજનક સપાટી પર પહોંચી જવા પામે છે. તેને પગલે મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર સાબદું થઈ ગયું છે

કાકરાપાર ખાડીની સપાટી 4.70 મીટર,ભેદવાડ ખાડીની સપાટી 5.70 મીટર, મીઠીખાડીની સપાટી 6.80 મીટર, ભાઠેના ખાડીની સપાટી 5.50 મીટર અને સીમાડા ખાડીની સપાટી 2.90 મીટર નોંધાવા પામી છે.

Author : Gujaratenews