સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો, જળ બંબાકાર જેવી સ્થિતિ

08-Sep-2021

હવામાન ખાતાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાત સહિત સુરત(Surat)માં અવિરત મેઘમહેર યથાવત રહી છે. જેમાં

સુરત શહેરમા ધોધમાર વરસાદ(Rain) ખાબક્તા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ રસ્તાઓ જાણે નદી બની ગયા તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો પરેશાન થયા હતા.

સુરતમાં વરસાદના પગલે રેલવે સ્ટેશન ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાઇ જતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે મનપા પણ એક્શન મોડમાં આવી હતી અને પાણી નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે સુરતમાં પાણી ભરાયાની સ્થિતિ જોવા મળી હતી. ભટાર વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. તેમજ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી હતી. સુરતમાં ભારે વરસાદના કારણે વિજીબીલીટી ઓછી થઈ હતી. જેના પગલે રાહદારીઓને પોતાની કારની હેડલાઈટ શરૂ કરીને પસાર થવું પડ્યું હતું.

આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ મન મૂકીને વરસ્યો હતો. ધોધમાર વરસાદને પગલે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી. સવારથી સુરતમાં સામાન્ય વરસાદ હતો. પણ બપોરે 2 થી સાંજે 4 વાગ્યાના ગાળામાં જ બે ઇંચ વરસાદ વરસી જતા શહેરમાં જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.

Author : Gujaratenews