સંભોગ' એટલે સાથે મળીને આનંદ મેળવવાની ક્રિયા. બે પગની વચ્ચે આવેલા અવયવ તો માત્ર આ આનંદ મેળવવાનું માધ્યમ છે. બાકી ખરી સંતુષ્ટિનો અનુભવ મગજ દ્વારા થાય છે. પ્રત્યેક દંપતીનું જાતીયજીવન ભિન્ન-ભિન્ન હોય છે. આ બાબત વ્યક્તિગત ઇચ્છા-અનિચ્છા, ગમા-અણગમા અને લાગણી પર આધાર રાખે છે. આપણા સમાજમાં સેક્સ વિશે વાત કરવાની સૂગ પ્રવર્તે છે. આથી આ વિશે અનેક માન્યતાઓ અને ગેરમાન્યતા પ્રવર્તે છે. વડીલો તો સંતાનો સાથે આ મુદ્દે સ્પષ્ટ વાત કરતાં નથી એટલે મિત્રોના અનુભવ તથા અખબારો અને ચોપાનિયામાં આવતી વાતો દ્વારા જ મોટા ભાગના યુવક-યુવતીઓ જાતીય જ્ઞાાન મેળવતાં હોય છે. જોકે આને કારણે ક્યારેક ઓડનું ચોડ વેતરાઈ જાય છે અને મન સતત મુંઝાયેલું રહે છે.
ઘણા નવપરિણીત દંપતી એમ માનતાં હોય છે કે દરરોજ સંભોગ કરવો જ જોઈએ. પરંતુ આથી થોડા સમય બાદ તેઓ કંટાળી જાય છે. હકીકતમાં તો આ માન્યતા ભૂલભરેલી છે. જેમ દરરોજ એકનું એક જમવાનો કંટાળો આવે છે તેમ દરરોજ એક જ રીતે સેક્સ કરવાથી કંટાળો આવવો સહજ છે. જાતીય જીવનનો આનંદ મેળવવા દરરોજ માત્ર સંભોગ કરવો જ મહત્ત્વનો નથી. ઘણી વખત માત્ર રતિક્રિડાથી પણ સંતોષ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે પતિ-પત્ની દર થોડા દિવસે સેક્સ માટે નવી નવી રીત પણ અજમાવી શકે છે. ક્યારેક ઓરલ સેક્સથી પણ સારો એવો આનંદ પ્રાપ્ત થાય છે. જ્યારે બેમાંથી એકનો મૂડ ન હોય તો પણ અન્યની ખુશી ખાતર સેક્સમાં સહભાગી થવું. ક્યારેક જીવનસાથીને હસ્તમૈથૂન દ્વારા પણ સંતોષ આપી શકાય છે.
જાતીય જીવનનો આનંદ પ્રેમ, સ્ટ્રેસ, મૂડ, ફોર પ્લેનો સમય તથા સાથીદારની સમજદારી પર આધાર રાખે છે. પણ જો લાંબા સમય સુધી શારીરિક સુખ માણવાની ઇચ્છા જ ન થાય કે મૂડ જ ન આવે અને તે કારણે જીવનસાથીએ નિરાશ થવું પડે તો ડૉક્ટર કે સેક્સ થેરેપીસ્ટની સલાહ લેવી તથા જરૂરી હોય તો જીવનશૈલીમાં ફેરફાર કરવો.
આખા દિવસની ક્રિયાઓ પૂરી કરીને જ્યારે રાતના પતિ-પત્ની મળે છે ત્યારે ક્યારેક કોઈ વાતે તેમની વચ્ચે ચણભણ થઈ જાય છે અને નાની વાત મોટું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. આથી તેઓ ઝઘડી પડે છે અને પછી પડખું ફેરવી સૂઈ જાય છે. ભિન્ન-ભિન્ન વ્યક્તિત્વ ધરાવતાં બે માનવી વચ્ચે વિચારભેદ થવો સહજ છે. અને તેથી ક્યારેક વિવાદ થાય. પણ એનો અર્થ એવો નહિ કે બન્નેએ એકમેકને પીઠ દેખાડી સૂઈ જવું. ઝઘડા થયા બાદ તો ખાટા થયેલ મનને હૂંફ અને શાંતિનો અનુભવ કરાવવા શારીરિક નીકટતા અત્યંત જરૂરી બની જાય છે. આથી ઝઘડયા બાદ જો દંપતી અહમ્ને કોરાણે મૂકી ભેટી પડે તો તેમની વચ્ચેની બધી સમસ્યા આપમેળે જ દૂર થઈ જશે. હા, ક્યારેક ઝઘડા બાદ સેક્સ કરવાથી પ્રવર્તમાન સમસ્યા દૂર નહિ થાય, પરંતુ તેનાથી એકમેક પ્રત્યેની પ્રેમ લાગણીની હૂંફ જરૂર અનુભવાશે જે દાંપત્યજીવનના પાયાને મજબૂત બનાવશે.
લગ્નજીવનના ચાર-પાંચ વર્ષ બાદ અને ખાસ કરીને એકાદ સંતાન થતાં જ પતિ-પત્ની વચ્ચેનું જાતીય આકર્ષણ ઘટી જાય છે. જવાબદારીઓ અને સ્ટ્રેસને કારણે તેઓ શારીરિક રીતે નીકટ આવતાં જ નથી. એકાદ મહિનો થઈ જાય તો પણ તેમને સેક્સની ઇચ્છા ન થવી કંઈ અજુગતુ નથી. શહેરોમાં રહેનારા અનેક દંપતીઓ આવી સમસ્યા અનુભવે છે. જોકે સુખી દાંપત્યજીવન માટે સંતુષ્ટ જાતીય જીવન જરૂરી છે.
આથી પતિ-પત્નીએ સાથે બેસી આ અંગે મુક્તમને વાતચીત કરવી જોઈએ તથા બન્નેએ પોતપોતાની જરૂરિયાત અને સમસ્યાને વાચા આપવી જોઈએ. શક્ય હોય તો થોડા દિવસ બહારગામ જવું જેથી રોજિંદા ક્રમમાંથી છૂટકારો મળશે અને જીવનમાં આનંદનો સંચાર થશે.
કેન્ડલલાઈટ ડીનર લીધા બાદ કે ઘરે જ મનગમતું ભોજન ભરપેટ લીધા બાદ સેક્સ માણવા કરતાં શાંતિથી ઊંઘવાનો વિચાર પહેલો આવે છે. આથી જ્યારે પણ મૂડ સરસ હોય અને કામેચ્છા જાગૃત થઈ હોય ત્યારે હળવું ભોજન લેવું. મધ, ચોકલેટ, ઈંડા વગેરે લેવાથી પણ સેક્સનો મૂડ બને છે.
આજે શહેરમાં રહેતા નોકરિયાત દંપતીઓ સમયની મારામારી અનુભવતાં હોય છે. આખો દિવસ ઘર અને નોકરી વચ્ચે સંતુલન સાધતી માનુની દિવસના અંતે એટલી થાકી જાય છે કે સેક્સ માણવાની ઇચ્છા હોવા છતાં શરીર સાથ નથી આપતું. આવા દંપતીઓએ પોતાની રીતે જ સ્પર્શ, આલિંગન કે નહાતી વખતે થોડો સમય સાથે રહી શારીરિક સુખ માણી લેવું. દર થોડા સમયે બે-ત્રણ દિવસનો બ્રેક લઈને બહારગામ જવું અને ત્યાં સ્ટ્રેસ વગર સેક્સનો આનંદ લેવો.
જોકે રોજિંદા જીવનમાં પણ જ્યારે સમય, સંજોગોની અનુકૂળતા સર્જાય ત્યારે જાતીય સુખ માણવાની તક ચૂકવી નહિ. હા, બેમાંથી એક વ્યક્તિ જો હતાશા કે માનસિક તાણ અનુભવતી હોય તો સંભોગ કરવાનો આગ્રહ રાખવો નહિ. માત્ર રતિક્રિડા દ્વારા જીવનસાથીને મૂડમાં લાવવાનો કે તેની માનસિક તાણ હળવી કરવાનો પ્રયાસ કરવો. દરરોજ ઠાંસી-ઠાંસીને જમવું પણ ભારે પડે છે તે નિયમ અનુસાર નિયમિત સેક્સ માણવાનો પણ અતિઆગ્રહ ન રાખવો. થોડા દિવસોની દૂરી બાદ વધુ સારી રીતે સેક્સ માણી શકાય છે તે વાત ભૂલવી નહિ.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024