આડા સંબંધનો ગર્ભવતી પત્ની પર વહેમ રાખી કુહાડીથી માથું ફાડી નાખ્યું, ત્રણ સંતાનોને ડેમમાં ફેંકી યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો

07-Sep-2021

મેઘરજ,મોડાસા : ગર્ભવતી પત્ની ઉપર વહેમ રાખી પતિએ માથામાં કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પોતાના ત્રણ માસમ સંતાનોને લઈ પિતા વૈડીડેમ ખાતે પહોંચી ગયો હતો અને ત્રણેયને ડેમમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. શનિવારે રાત્રે વૈડી ડેમમાંથી ત્રણ બાળકોની લાશ મળતાં પોલીસે મૃતક બાળકોની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. દરમિયાન રમાડ ગામના શખ્સ જ પોતાના સંતાનોને ડેમમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધાનુ સામે આવતાં કાળજુ કંપાવી દેતી આ ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મેઘરજ તાલુકાના રમાડ ગામનો જીવા કચરા ડેડૂણને શુક્રવારે રાત્રે દસ વાગ્યાના અરસામાં પત્ની જીવી સાથે ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઈ માથાના ભાગે તેમજ જમણા ભાગે આંખ ઉપર, કપાળના ભાગે અને ગરદનના ભાગે કુહાડીના ઘા મારી  પત્નીને લોહીલુહાણ કરી દીધી હતી. બાદમાં જીવો ડેડૂણ તેના ત્રણ સંતાનો જીનલ, હાર્દિક અને સોનલને રાત્રે જ ઘરેથી લઈને નીકળી ગયો હતો. ત્રણેય બાળકોની શનિવારે રાત્રે વૈડી ગામની સીમમાં આવેલા વૈડી ડેમમાંથી લાશો મળી આવી હતી. શરૂઆતમાં ત્રણ અજાણ્યા બાળકોની લાશો હોવાની માહિતી ઈસરી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે બાળકોની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. પરંતુ તપાસમાં આ ત્રણેય બાળકો રમાડ ગામના હોવાનુ અને તેના પિતાએ જ ડેમમાં ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હોવાનુ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતક બાળકોના પિતા સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ કરી ત્યારે પત્નીને જીવલેણ ઇજાઓ પહોંચાડી ત્રણ બાળકોની હત્યા કરનાર પિતાને પણ વેડી ડેમમાં પડી આપઘાત કરવાનો પ્રયાસ કરી લીધો હતો. આ સમયે આસપાસથી દોડી આવેલા લોકોએ ડેમનાં ડૂબી રહેલા આ શખ્સને બચાવી લઈ સારવાર માટે ખસેડી દીધો હતો. જીવા ડેડૂણ સામે તેના સસરા લવજીભાઈ કટારાની ફરિયાદને પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

 

માતાના કૂખમાં રહેલું બાળક હાલ બચી ગયું !

પિતાના શંકાશીલ સ્વભાવનો ભોગ ત્રણ બાળકો બન્યા હતા અને હસવા રમવાની ઉમરે સગા બાપે જ તેમને ડેમમાં નાખી મોતને ઘાટ ઉતારી દીધા હતા. માતાને નવ માસનો ગર્ભ છે. ત્યારે આ બાળક હજુ અવતર્યુ ન હોય તે બચી ગયુ હતુ. નહીંતર તેના ત્રણ ભાઈ-બહેન સાથે તેને પણ પિતા ડેમમાં નાખી દેત. માતાના કુખમાં રહેલા બાળક સિવાય આ પરિવારના ત્રણ હસતા રમતા બાળકો શંકાની આગમાં હોમાઈ જતા ચક્ચાર મચી છે. હજુ મહિલાની હાલત પણ ગંભીર હોય કુખમાં રહેલા બાળક સામે પણ ખતરો છે. પરિવાર ઉપર જાણે કાળ ત્રાટક્યો હોય તેવા બનાવે ચકચાર મચાવી દીધી છે.

 

સાસરીયા પિયરમાં દોડી ગયા

દિકરી ઉપર જમાઈએ જીવલેણ હુમલો કર્યો હોવાનુ મોટી પડેલી ગામના પિયરિયાઓને જાણ થઈ હતી. જેના પગલે શનિવારે સવારે દીકરીના સસરાના ગામે પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોતા ઘરની ઓસરીમા સુકાયેલ લોહી જોવા મળ્યુ હતું અને દિકરી જીવી ખાટલામાં કણસતી હાલતમા લોહી લુહાણ હાલતમાં હતી. ગંભીર રીતે ઘવાયેલ આ માં મહિલાને મેઘરજ અને બાદમાં વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઈ જવાઈ હતી.

Author : Gujaratenews