પોલિટિકસમાં પાટીદાર પાવર: સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠક, આંદોલનના કેસ પાછા ખેંચવા મુદ્દે પાટીદાર આગેવાનો CMને મળશે

07-Jul-2022

ગાંધીનગર : અનામત આંદોલનના કેસ પાછા ખેંચવા, મૃત્યુ પામેલા યુવકોના પરીવારજનોને નોકરી સહાય, બિન અનામત આયોગ. નિગમને રૂ.૫૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા સહિતની માંગણીઓ મુદ્દે પાટીદાર સમાજ સંસ્થાઓના આગેવાનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે ગાંધીનગર બોલાવ્યા છે. સવારે ૧૦-૩૦ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી બેઠકમાં પાટીદારો આગેવાનો પરીવારની મરજી વિરૂધ્ધ દિકરીના લગ્નમાં માતા-પિતાની સહીને ફરજીયાત બનાવવા કાયદો ઘડવા રજૂઆત કરશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ સહિતની સાત સંસ્થાઓના અગાવાનો મુખ્યમંત્રી સાથેની બેઠકમાં સામેલ થશે. બેઠકમાં રજૂ થનારી ૨૫ મુદ્દાઓની માંગણીમાં બિન અનામત આયોગ અને નિગમમાં સમાજને થઈ રહેલા અન્યાય. આ બંન્ને સરકારી સંસ્થામાં રૂ.૫૦૦ કરોડની ગ્રાન્ટ વધારવા તેમજ તેના દ્વારા મળતી રૂ.૨૫ લાખની વિદેશ સહાયમાં વધારો કરવાની બાબતનો સમાવેશ થાય છે, તદ્ઉપરાંત આયોગ અને નિગમને સામાજિક ન્યાય અધિકારીતા વિભાગને બદલે શિક્ષણ વિભાગના તાબા હેઠળ લઈ જવા અને તમામ સહાયની રકમ રૂ.૩૦,૦૦૦ કરવાની બાબતે પણ રજૂઆત કરવામાં આવશે. બેઠકમાં પરીવારની મરજીથી થતા દિકરીના લગ્નમાં માતા- પિતાની મંજૂરીને ફરજિયાત કરવા કાયદાકીય જોગવાઈ કરવા તેમજ આંદોલનના કેસ પાછા ખેંચવા બાબતે પણ ચર્ચા થશે. ઉલ્લેખનિય છે કે, ત્રણ સપ્તાહ પૂર્વે જાસપુર ખાતે બેઠક મળ્યા બાદ પાટીદાર ઓર્ગેનાઈઝેશન કોર્ડિનેશન કમિટીએ મુખ્યમંત્રીનો સમય માંગ્યો હતો.

Author : Gujaratenews