બે કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીઓને વાર્ષિક રિટર્નમાં મુક્‍તિ

07-Jul-2022

નવી દિલ્‍હી,તા. ૭ : બે કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીઓને વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુકિત આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તે અંગેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્‍યું છે.

 

જીએસટીનો કાયદો અમલમાં આવ્‍યો ત્‍યારથી જ નાના વેપારીઓને જીએસટી વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુકિત આપવાની જાહેરાત કરવામાં આવતી હોય છે. જ્‍યારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે તેની જાહેરાત જીએસટી કાઉન્‍સિલ દ્વારા કરવામાં આવી હતી. જ્‍યારે પરિપત્ર બહાર પાડવામાં આવ્‍યો નહીં હોવાના કારણે નાના વેપારીઓને વાર્ષિક રિટર્ન ભરવાના મુદ્દે અસમંજસની સ્‍થિતી ઉભી થઇ હતી. જ્‍યારે આજે જીએસટી કાઉન્‍સિલે કરેલા નિર્ણયને સત્તાવાર સમર્થન આપતુ જાહેરનામું પણ બહાર પાડી દીધું છે. તેના કારણે જીએસટી લાગુ થયો ત્‍યારથી આજદિન સુધી નાના વેપારીઓને એટલે કે બે કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર તમામ વેપારીઓને વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુકિત આપવાનો નિર્ણય વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્‍યો છે. (૨૨.૧૧)

 

નિયમોનું પાલન કરાશે તો જીએસટી નંબર કાર્યરત થશે

 

જે કારણોસર જીએસટી નંબર સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવ્‍યો હોય તે કારણોની પૂર્તતા કરી દેવામાં આવે તો જીએસટી નંબર ફરીથી કાર્યરત કરી દેવા માટેની જાહેરાત જીએસટી કાઉન્‍સિલની બેઠકમાં કરવામાં આવી હતી. પરંતુ જ્‍યાં સુધી તેનો સત્તાવાર પરિપત્ર નહીં આવે ત્‍યાં સુધી આનો અમલ કરવામાં આવતો નથી. જ્‍યારે જીએસટી કાઉન્‍સિલને કરેલી જાહેરાત પ્રમાણેનો પરિપત્ર તમામ જીએસટી વિભાગને મોકલી આપવામાં આવતા હવે સસ્‍પેન્‍ડ થયેલો નંબર સરળતાથી કાર્યરત કરવાનો માર્ગ મોકળો થયો છે. તેમજ અધિકારીઓ દ્વારા સસ્‍પેન્‍ડ થયેલા નંબર ફરીથી કાર્યરત કરવા માટે વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિમાંથી પણ છૂટકારો થવાનો છે.

Author : Gujaratenews