RSSના 6 કાર્યાલયોને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી, ઈમામ અન્સાર રઝી ઉન મહેંદી નામના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતો કરાયો

07-Jun-2022

લખનૌ : RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) ના લખનઉના ૨ અને કર્ણાટકના ૪ કાર્યાલયોને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી મળી છે. લખનઉના મડિયાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ દાખલ થઈ છે. RSS ના આ ૬ કાર્યાલયો ઉડાવી દેવાની ધમકી વોટ્સએપના માધ્યમથી મળી છે. જે મુજબ અલ અન્સારી ઈમામ રઝી ઉન મહેંદી વોટ્સએપ ગ્રુપ બનાવીને કન્નડ, હિન્દી અને અંગ્રેજીમાં ધમકી અપાઈ છે. સોમવારે રાતે ૮ વાગે આ ધમકી મળી.
આ ધમકી મુજબ અલ ઈમામ અન્સાર રઝી ઉન મહેંદી નામના વોટ્સએપ ગ્રુપમાં એક આરએસએસ કાર્યકરને ઈન્વાઈટ લિંકના માધ્યમથી જોડવામાં આવ્યો. ગ્રુપની ઈનવાઈટ લિંક અનેક ગ્રુપમાં શેર કરાઈ રહી હતી. જેના કારણે આરએસએસનો કાર્યકર પણ તે લિંકથી ગ્રુપ સાથે જોડાઈ ગયો. વોટ્સએપ ગ્રુપમાં જોડાયા બાદ કાર્યકરે આ પ્રકારની ચર્ચાઓ વિશે જાણ્યું અને તેની માહિતી અવધ પ્રાંતના એક પદાધિકારીને આપી. ત્યારબાદ મામલાને ગંભીરતાથી લેતા પદાધિકારીએ આરએસએસના નેતાઓને તેની જાણ કરી. ત્યારબાદ જાણકારી પોલીસના ટોચના અધિકારીઓને આપવામાં આવી.
પોલીસ સુધી મામલો પહોંચતા તે એક્શનમાં આવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અવધ પ્રાંતના ઘોષ પ્રમુખ, પ્રોફેસર નીલકંઠ તિવારીની ફરિયાદના આધારે લખનઉના મડિયાંવ પોલીસ મથકમાં કેસ દાખલ તયો. એસએચઓએ જણાવ્યું કે કલમ ૫૦૭ અને આઈટી એક્ટ ૬૬ હેઠળ કેસ દાખલ થયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

​​​​​

Author : Gujaratenews