જેઠમાં અષાઢી માહોલ : ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ; હારીજના રોડા ગામમાં મહિલા પર વીજળી પડતાં મોત
07-Jun-2022
સાવરકુંડલા તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ, શેત્રુંજી નદીમાં પૂર આવ્યું; 8મી જૂનથી દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
રાજ્યમાં મંગળવારે પ્રી-મોન્સૂન વરસાદે દસ્તક દેતાં ચોમાસું બારણે હોય એવો અનુભવ કરાવ્યો હતો. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. ગઇકાલે હારીજના રોડા ગામમાં વરસાદી ઝાપટાં વચ્ચે વીજળી પડતાં એક મહિલાનું મોત થયાની ઘટના સામે આવી છે. અમરેલીના સાવરકુંડલા, વંડા, શેલના, ઘોબા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેના કારણે શેલણાની સૂતિશેલ નદી ફરી જીવંત બની અને પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. સતત 42 ડિગ્રી કરતા પણ વધુ તાપમાન બાદ અચાનક આવેલા વરસાદના કારણે વાતવરણમાં ઠંડક જોવા મળી છે. બીજી તરફ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેસર તાલુકાના દેરલા,રાણીગામ પીપરડી જેવા ગામમાં વરસાદી માહોલને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલા આજે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા ફેરફાર બાદ ધૂળની ડમરીઓ ઉડવા લાગી ત્યાર બાદ સતત એક કલાક કરતા વધુ સમય સુધી વરસાદ પડ્યો હતો.
ચોમાસાના પ્રારંભ પહેલા જ શેત્રુંજી નદીમાં પૂર આવ્યું
અમરેલીના સાવરકુંડલા તાલુકામાં બે ઈંચ અને લાઠી તાલુકામાં પોણા ઈંચ કરતા વધુ વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસાના વિધિવત પ્રારંભ પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
લાઠીના દુધાળા ગામ નજીક ખેતરોમાં પાણી ભરાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લાઠી ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. લાઠીના દુધાળામાં ખેતરો પાણીથી છલોછલ ભરાયેલા જોવા મળ્યા હતા.
પણ કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે.વહેલા વરસાદની આગાહીની વચ્ચે રાજ્યમાં વરસાદ માટે હજુ રાહ છે. હાલ વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી. જો કે આગામી 8 જૂને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 24 કલાક સુધી રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે.અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં પાટણના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
ઉત્તર ગુજરાતમાં પાટણના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાધનપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું તેમજ મેમદાવાદ ગામ નજીકના વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. મધ્ય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં પણ મોડી સાંજે પવનના સુસવાટા સાથે વાતાવરણમાં ફેરબદલ થયું છે.
24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે. સાઉથ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટિ રહી શકે છે તો અમદાવાદમાં ડ્રાય રહેવાની સાથે 40 થી 42 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024