દેશમાં 24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ બ્રેક 1,41,986 નવા કેસ સામે આવ્યા, મુંબઈમાં સતત ત્રીજા દિવસે 41 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ આવ્યા

07-Jan-2022

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના વધતા જતા કોરોના (Covid-19) કેસથી લોકોની ચિંતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજધાની દિલ્હીમાં એક દિવસમાં 20181 કોરોના કેસ નોંધાયા છે. આ દરમિયાન 11869 લોકો કોવિડ-19થી સ્વસ્થ થયા છે.

8 મહિના પછી સૌથી વધુ કેસ

છેલ્લા 8 મહિના પછી દિલ્હીમાં શનિવારે સૌથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 2 મેના રોજ એક જ દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાને કારણે 7 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં સંક્રમણનો દર 19.60 ટકા છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોવિડ-19ના કુલ એક્ટિવ કેસ 48178 છે. અને પોઝિટિવિટી રેટ 19.6 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 25143 લોકોના મોત થયા છે.

મુંબઈમાં પણ કોરોના બેકાબૂ

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai) માં પણ કોરોના બેકાબૂ બની રહ્યો છે. માહિતી અનુસાર, શનિવારે મુંબઈમાં કોવિડ-19ના 20318 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 5 લોકોના મોત નોંધાયા હતા. મુંબઈમાં કોરોનાના કુલ 106037 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ થઇ રહ્યો છે વધારો

આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાના 41434 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો કેસ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં એક દિવસમાં ઓમિક્રોનના કુલ 133 નવા કેસ નોંધાયા છે.

દેશમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ

ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 41 હજાર 986 નવા કેસ સાથે 285 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ પણ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 3,071 થઈ ગયા છે. દેશમાં નવા કેસ આવ્યા બાદ સક્રિય કેસની સંખ્યા 4,72,169 પર પહોંચી ગઈ છે.

દેશમાં શુક્રવારે 24 કલાકમાં સંક્રમણના રેકોર્ડ 1,17,094 નવા કેસ સામે આવ્યા છે. તો મુંબઈમાં સતત બીજા દિવસે એટલે કે શુક્રવારે પણ 20 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. આજે 6 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 8,490 લોકો સ્વસ્થ થયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 91,731 થઈ ગઈ છે. આ પહેલાં મુંબઈમાં ગુરૂવારે 20,181 કેસ નોંધાયા હતા.

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે CM ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં લોકડાઉન લગાડવાના પક્ષમાં નથી, પરંતુ આવનારા દિવસો કડક નિયમો આવી શકે છે. મુંબઈમાં ગુરૂવારે 20 હજાર કેસ નોંધાયા હતા.

તો દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 17,335 નવા દર્દીઓ સામે આવ્યા છે. પ્રદેશમાં હવે સંક્રમણ દર 17.73%એ પહોંચી ગયો છે. આ જીવલેણ વાયરસના કારણે 9 લોકોના મોત થયા છે. તો સક્રિય કેસ વધીને 39,873 થઈ ગયા છે.

કાનપુર IITના પ્રોફેસર ડૉકટર મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે દિલ્હી અને મુંબઈમાં આગામી 10 દિવસમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે. તેઓએ જણાવ્યું કે બંને શહેરમાં લગભગ 30,000થી 50,000 કોરોનાના કેસ આવી શકે છે.

ડોકટર અગ્રવાલે જણાવ્યું કે, "ભારતમાં આ મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર હશે. એક દિવસમાં 4થી 8 લાખ સુધી નવા કેસ સામે આવી શકે છે. ભારતમાં માર્ચના અંત સુધીમાં રોજ 10 હજારથી 20 હજાર કોરોનાના નવા કેસ આવવાની આશા છે.

અમૃતસર એરપોર્ટ પર સતત બીજા દિવસે બે ફ્લાઈટ્સના 173 યાત્રી પોઝિટિવ

અમૃતસર એરપોર્ટ પર શુક્રવારે પણ વિદેશથી આવેલા બે ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં 173 યાત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. એરપોર્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને ફ્લાઈટ્સમાં 276થી વધુ યાત્રી સવાર હતા. આ તમામનું એરપોર્ટ પર રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં 173નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે અન્ય 103 યાત્રિકોના રિપોર્ટ હજુ આવવાના બાકી છે.

અમૃતસર એરપોર્ટ પર ગુરુવારે પણ રોમથી આવેલી ચાર્ટર્ડ ફ્લાઈટના 1790માંથી 125 યાત્રિકો પોઝિટિવ આવ્યા હતા.

દેશમાં આવતા તમામ ઈન્ટરનેશલ પેસેન્જર્સને 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત

દેશમાં આવતા તમામ ઈન્ટરનેશલ પેસેન્જર્સને 7 દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રહેવું ફરજિયાત કરી દેવાયું છે. દેશમાં ઓમિક્રોનના વધતા કેસને જોતા સરકારે શુક્રવારે આ નિર્ણય લીધો છે. નવી ગાઈડલાઈન મુજબ યાત્રિકોએ 8માં દિવસે RT-PCR ટેસ્ટ કરાવવા પડશે. પોઝિટિવ મળી આવતા તેમના ટેસ્ટ સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ માટે લેબ મોકલવામાં આવશે.

વિદેશ આવતા લોકોએ ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ ભરવાના રહેશે. તેઓએ ટ્રાવેલથી પહેલાં 72 કલાકની અંદર RT-PCR નેગેટિવ રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે. આ ગાઇડલાઈન 11 જાન્યુઆરીથી આગામી આદેશ સુધી લાગુ રહેશે.

દેશમાં કોરોનાના કેસ દરરોજ 1 લાખને પાર

દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં પ્રથમ વખત નવા કેસનો આંકડો 1 લાખને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 1 લાખ 17 હજાર 100 નવા કેસ નોંધાયા છે. 214 દિવસ પછી આટલ કેસ નોંધાયા છે. ગઈકાલે 302 લોકોનાં મોત પણ થયાં છે, જ્યારે એક્ટિવ કેસમાં 86,040 વધારો થયો છે. 31 ડિસેમ્બરે દેશમાં 22,775 નવા કેસ આવ્યા હતા. આ દ્રષ્ટીએ દેશમાં એક સપ્તાહની અંદર નવા કેસમાં લગભગ 5 ગણો વધારો થયો છે.

તો દેશમાં કુલ કેસની વાત કરીએ તો અત્યાર સુધીમાં 3.52 કરોડથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાંથી 3.43 કરોડ લોકો સ્વસ્થ થયા છે. તો 4.83 લાખ લોકોના મોત પણ થઈ ગયા છે. એક્ટિવ કેસ એટલે જેઓની સારવાર ચાલી રહી છે તે આંકડો વધીને 3,65,521 થઈ ગયો છે.

ભારતમાં વેક્સિનેશનની સ્થિતિ

ભારતમાં અત્યાર સુધીમાં 150 કરોડ વેક્સિનના ડોઝ અપાઈ ગયા છે. જેમાં 87.73 કરોડને પ્રથમ ડોઝ અને 62.44 કરોડને બીજો ડોઝ અપાઈ ગયો છે.

કોરોનાં અપડેટ્સ

કોરોનાના વધતા જતા કેસોને જોતા મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત વિજ્ઞાન મેળો રદ્દ કરવામાં આવ્યો છે. શુક્રવારે રાજ્યપાલ મંગુભાઈ પટેલ આ મેળાનું વિજ્ઞાન ઉદ્ઘાટન કરવાના હતા.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાજ્યમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં લેતા પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ મુલાકાત કરશે. આ બેઠકની માહિતી ખુદ મમતાએ જણાવી છે. જ્યારે રાજ્યમાં આવતા-જતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

કોરોનાના વધતા ખતરાને જોતા બિહાર સરકારે તમામ શૈક્ષણિક સંસ્થાઓને 21 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આમાં તમામ શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓનો સમાવેશ થાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી અનુસાર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વેક્સિનના 154.32 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જ્યારે રાજ્યો પાસે વેક્સિનના 18.14 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે.

સ્વરા ભાસ્કરને કોરોના થયો છે. તેણે વેક્સિનના બન્ને ડોઝ લીધેલા છે.

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને કોરોના થયો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ગેહલોતના પુત્ર વૈભવને પહેલેથી જ કોરોના થયો હતો.

પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં આવતા-જતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.

દેશનાં 26 રાજ્યોમાં ઓમિક્રોનના 3007 કેસ નોંધાયા છે.

કેન્દ્ર સરકારે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના ટેસ્ટ વધારવાની સૂચના આપી છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 4 દિવસમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોના 338 ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા છે.

મુંબઈમાં સિયોનમાં 98, જેજેમાં 83, કેઈએમમાં ​​73 અને નાયર હોસ્પિટલમાં 59 ડૉક્ટરો કોરોના પોઝિટિવ થતાં દાખલ કરાયા છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ પાટીલના સ્ટાફના ચાર સભ્ય કોરોના પોઝિટિવ મળ્યા છે.

ત્રણ દિવસમાં ચંદીગઢ PGIના 196 ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં 87 ડોકટરો અને 109 જેટલા સ્ટાફના અન્ય સભ્યો સંક્રમિત થયા છે.

દેશમાં ઓમિક્રોનના 3000થી વધુ કેસ

દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 3007 કેસ નોંધાયા છે. જોકે એમાંથી 1199 લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 876, દિલ્હીમાં 465, કર્ણાટકમાં 333, રાજસ્થાનમાં 291, કેરળમાં 284, ગુજરાતમાં

204 કેસ નોંધાયા છે, જ્યારે તામિલનાડુમાં 121, હરિયાણામાં 114, તેલંગાણામાં 107, ઓડિશામાં 60, ઉત્તરપ્રદેશમાં 31, આંધ્રપ્રદેશમાં 28, બંગાળમાં 27, ગોવામાં 19, આસામમાં 9, મધ્યપ્રદેશમાં 9 અને ઉત્તરાખંડમાં 8 કેસ નોંધાયા છે.

Author : Gujaratenews