GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 5 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 3350 કેસ નોંધાયા હતા, તો આજે 6 જાન્યુઆરીએ 4213 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 14 હજારને પાર એટલે કે 14,346 પર પહોચ્યો છે.
આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 1105, રાજકોટ શહેરમાં 183 કેસ, આણંદમાં 112 અને વડોદરા શહેરમાં 103 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં તાપી જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,127 થયો છે.
એક્ટીવ કેસ વધીને 14,346 થયા
રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે 12માં દિવસે 6 જાન્યુઆરીએ 4213 કેસ નોંધાયા છે. એટલે કે માત્ર 12 દિવસમાં 32 ગણા જેટલા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 10,994 હતા, જે આજે વધીને 14,346 થયા છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 860 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 20 હજાર 383 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.
રાજ્યમાં આજે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટનો એક પણ નવો કેસ નથી નોંધાયો. ગઈકાલ સુધીમાં રાજ્યમાં 204 કેસ નોંધાયા છે, જેમાંથી આજે અમદાવાદમાં 34 અને ખેડામાં 5 એમ કુલ 39 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આવા કેસના 151 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
અમદાવાદ બાદ સુરતમાં વિસ્ફોટ
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ છે, જયારે આજે સુરતમાં પણ નવા કેસોનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં આજે 1105 નવા કેસ નોંધાયા છે,તો સુરત ગ્રામ્ય એટલે કે સુરત જિલ્લામાં 88 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધીને 3024 થયા છે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024