અમદાવાદમાં અત્‍યાર સુધીનો સૌથી મોંઘો જમીન સોદો :૫૪૦૦ વારના પ્‍લોટનો સોદો ૧૬૦ કરોડમાં થયો

05-Nov-2022

અમદાવાદ, તા.૫: અમદાવાદમાં સૌથી મોંઘો જમીન સોદો થયો છે, જેમાં શહેરના પોશ વિસ્‍તાર ઇસ્‍કોન - આંબલી રોડ પર એક પ્‍લોટ ૩ લાખ રૂપિયા પ્રતિચોરસ વારસના ભાવે વેચાયો છે.

શહેરના પોશ વિસ્‍તાર ઇસ્‍કોન - આંબલી રોડ પર ૧ વારના ૩લાખ રૂપિયા

અમદાવાદ સ્‍થિત ડેવલપર સંઘવી રીયાલીટીએ ૫૪૦૦ ચોરસવારનો પ્‍લોટ કોમર્શીયલ પ્રોજેકેટ માટે ૧૬૦ કરોડમાં ખરીદયો હોવાનું સુત્રોનું કહેવુ છે.

આ પ્‍લોટની માલિકી શહેરના એક ધંધાર્થીની હતી જેનું થોડા સમય પહેલા જ અવસાન થયુ હતું. જો કે સંઘવી રીયાલીટીના પ્રમોટર સિધ્‍ધાર્થ સંઘવીએ આ સોદા અંગે મૌન સેવ્‍યુ છે.

અમદાવાદમાં આ અત્‍યાર સુધીનો સૌથી મોંઘો જમીન સોદો છે. આ પહેલાનો સૌથી મોંઘો સોદો રાજપથ કલબની બાજુમાં આવેલ એક પ્‍લોટનો હતો જે ૨.૯૫ લાખ રૂપિયા પ્રતિ ચોરસ વારના ભાવે વેચાયો હતો. છેલ્લા દોઢ વર્ષમાં ઇસ્‍કોન - આંબલી રોડ પર ઓછામાં ઓછા ૨૦૦૦ કરોડ રૂપિયાના જમીન સોદાઓ થયા છે.

Author : Gujaratenews