નવી દિલ્હી, તા.૫: ગુજરાતમાં ‘મુકત અને ન્યાયિક' ચુંટણી કરાવવા માટે લગભગ ૪૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
ભારતીય ચુંટણી પંચના દિશા નિર્દેશો અનુસાર ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારીની કચેરી આ ખર્ચ પર ધ્યાન રાખશે
દરેક વિધાનસભા અને લોકસભા ચુંટણી પહેલા રાજયની મુખ્ય ચુંટણી અધિકારીની કચેરી દ્વારા ખાસ વચગાળાના બજેટની માંગણી થતી હોય છે. દરેક ચુંટણી પછી મુખ્ય ચુંટણી અધિકારીની કચેરી ખર્ચના ફાઇનલ આંકડાઓ આપે છે જે સામાન્ય રીતે ફાળવવામાં આવેલ બજેટ કરતા વધારે જ હોય છે.
મુખ્ય ચુંટણી અધિકારીની કચેરી દ્વારા ૨૦૨૨ની વિધાનસભા ચુંટણી માટે અપાયેલ અંદાજના આધારે રાજય સરકારે ૨૦૨૨-૨૩ના બજેટમાં રૂપિયા ૩૮૭ કરોડની જોગવાઇ કરી હતી. જો કે અધિકારીઓએ કહ્યું કે ખરેખર ખર્ચ ૪૫૦ કરોડ રૂપિયાથી વધી જવાની શકયતા છે.
૨૦૧૭ની વિધાનસભા ચુંટણીમાં રૂપિયા ૨૫૦ કરોડની જોગવાઇ કરાઇ હતી પણ ખરેખર ખર્ચ ૩૨૬ કરોડ રૂપિયા થયો હતો. એવી જ રીતે ૨૦૧૨ની ચુંટણીમાં ૧૭૫ કરોડ રૂપિયાના અંદાજ મુકાયો હતો પણ ખરેખર ખર્ચ ઘણો વધી ગયો હતો.
સુત્રોએ કહ્યું કે ૩૮૭ કરોડ રૂપિયાની પ્રાથમિક જોગવાઇ સામે આગામી ચુંટણીમાં ખર્ચ ૪૫૦ કરોડે પહોંચવાની શકયતા છે કેમ કે ચુંટણી સ્ટાફનો પગાર વધી ગયો છે, નુર ભાડા અને વાહનોની કિંમતો વધી ગઇ છે, ચુંટણીમાં બુથો અને પોલીંગ સ્ટેશનોમાં વધારો જેવા અન્ય કારણો પણ છે.



14-Dec-2025