"જીવી લ્યો જીંદગી"ના ભાગરૂપે મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને મોટીવેટ કરાયા

05-Sep-2021

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગંગા સ્વરૂપ બહેનો અને આર્થિક રીતે મધ્યમવર્ગીય બહેનોને મોટીવેટ કરવા માટે "જીવી લ્યો જીંદગી"ના ભાગ રૂપે ગુજરાતનાં ખ્યાતનામ વક્તા કાજલબેન ઓઝા દ્વારા બહેનો ગર્વ અનુભવી શકે એવા વિચારો પ્રદાન કરવામાં આવ્યા હતા. જેમ કે ગંગા સ્વરૂપ બહેનોને શક્તિ સ્વરૂપ અથવા તેજ સ્વરૂપ તરીકે ઓળખવા જોઈએ. બહેનોને એવી મૂડી આપવી જોઈએ કે ખરાબ સમયમાં પોતે આત્મનિર્ભર રહી શકે. નારી એ સમાજની કોઈપણ ટીકાકારી વાતોની અવગણના કરીને પોતાની જિંદગી પોતાની રીતે જીવવી જોઈએ. સ્ત્રી સુંદરતાનું પ્રતિક છે એણે એનું ગૌરવ અનુભવવું જોઈએ. ગંગા સ્વરૂપ બહેનોએ સંતાનો માટે માતાની જ નહીં પરંતુ પિતાની પણ ભૂમિકા ભજવવાની હોવાથી સ્ત્રીની મહત્તા વધી જતી હોય છે. આ કાર્યક્રમમાં સુરત શહેરની સમાજમાં અગ્રેસર તેમજ પોતાની આવડતને લીધે સફળ થયેલી 11 મહિલાઓને સન્માનિત કરાઇ હતી. આ કાર્યક્રમમાં સમાજનાં અગ્રણી એવા કાનજીભાઈ ભાલાળા, અરજણભાઈ ધોળકિયા, તેમજ કાર્યક્રમનાં મુખ્ય દાતા મનહરભાઈ સાચપરા (યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડસ લી) ઉપસ્થિત રહ્યા હતા. ઠુમ્મર બહેનો દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરાઇ હતી. કાર્યક્રમનાં અંતે હાસ્યની પળો માટે હિતેશભાઈ અંટાળા દ્વારા હાસ્યની રમઝટ કરાવવામાં આવી હતી. કાર્યક્રમનાં મુખ્ય વ્યક્તિ વિશેષની રંગોળીઓ બનાવીને સુરતની બહેનો દ્વારા શ્રોતાગણોને પ્રભાવિત કરવામાં આવ્યા હતા. વધુ માહિતી આપતા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ દાઢી એ જણાવ્યું હતું કે ગંગા સ્વરૂપ અને જરૂરિયાતમંદ બહેનો માટે આ સંસ્થા સતત કાર્યરત છે, અનાજ કરિયાણા કીટ વિતરણ, એમના બાળકો માટે પુસ્તક અને સ્ટેશનરીનું વિતરણ, સિવણ ક્લાસની સાથે સિલાઈ મશીન વિતરણ, મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુને વ્યાપ મળે એ હેતુથી એક્ઝિબિશન, માર્ગદર્શન અને મોટિવેશન કાર્યક્રમ જેવી બીજી અનેક પ્રવૃત્તિઓ થાય છે, મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રીઓ, સભ્યોશ્રીઓ, મુસ્કાન મહિલા કામધેનુ ગ્રુપ અને યંગસ્ટર ગ્રુપ કાર્યક્રમને સંપૂર્ણપણે સફળ બનાવવામાં સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન યુવા એન્કર મનિષભાઈ વઘાસિયા દ્વારા થયું હતું.

Author : Gujaratenews