ડિસેમ્બર 2019માં સામે આવેલા કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અનેક ખેલાડીઓનું પણ મોત થયું હતું. જેમાં વધુ એક ક્રિકેટરનો સમાવેશ થયો છે. સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાનું કોરોનાથી નિધન થયું છે. વલસાડમાં હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
BCCIના પૂર્વ સચિવે શોક વ્યક્ત કર્યો
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના ભૂતપૂર્વ સચિવ નિરંજન શાહે શોક સંદેશમાં જણાવ્યું હતું કે, ‘અંબાપ્રતાપસિંહજી એક અદ્ભુત ખેલાડી હતા અને મારી તેમની સાથે ક્રિકેટ પર ઘણી વખત વાતચીત થઈ હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક સિઝન રમ્યા
જામનગરના રહેવાસી જાડેજા મધ્યમ ગતિના ઝડપી બોલર અને જમણા હાથના બેટ્સમેન હતા. તેમણે રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે આઠ મેચ રમી હતી. તેઓ ગુજરાત પોલીસના નિવૃત્ત ડીએસપી હતા. અંબાપ્રતાપસિંહજી જાડેજાએ આઠ ફર્સ્ટ ક્લાસ મેચમાં 100 રન બનાવ્યા અને 10 વિકેટ લીધી. તેનો સર્વોચ્ચ સ્કોર 27 રન હતો, જ્યારે બોલિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રનમાં ત્રણ વિકેટનું હતું. તેમની કારકિર્દી 1973-74 થી 1974-75 સુધીની હતી. એટલે કે તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માત્ર એક સિઝન માટે રમ્યા હતા.
20-Aug-2024