પ્રાણી પ્રેમીઓ, તમને કોઈ એમ પૂછે છે કે, પાલતુ કે શાકાહારી પ્રાણીઓનાં નામ આપો. તો તમે ચોક્કસપણે ગાય કે ભેંસનું નામ આપો. ને એ બે નામની સાથે જ ત્રીજું નામ આપણને બકરીનું. આપણી શેરીઓમાં ને ફળિયામાં રખડતી, નાનું-નાનું ઘાસ ચરતી, ને ઠેકડો મારતા ચાલતી અને નાના-નાના શિંગડાંવાળી બકરીઓને જોવાને આપણને ગમે. પણ, શું તમે ક્યારેય હરણ જેટલાં લાંબાં ને વળાંકવાળાં શિંગડાં ધરાવતી બકરી જોઈ છે? એશિયાના ઘણા દેશોમાં આવી મોટ્ટા, વાંકાચૂંકા ને સુંદર દેખાતાં શિંગડાંવાળી બકરીઓ જોવા મળતી હોય છે, જેમને મા૨ખોર તરીકે ઓળખવામાં આવે છે. આ મારખોર એ આપણા પડોશી દેશ પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી છે. બાળમિત્રો, તમને યાદ હોય તો બે અઠવાડિયાં પહેલાં જ ‘પ્રાણીજગત’માં આપણે નેપાળનાં રાષ્ટ્રીય પક્ષી હિમાલયન મોનાલની વાત કરેલી. આજે આપણે પાકિસ્તાનનાં રાષ્ટ્રીય પ્રાણી મારખોરની વાત કરીએ.
ફારસી ભાષામાં ‘મારખોર’નો અર્થ થાય છેઃ સાપ. કેટલાક લોકો એવું કહે છે કે, તેનાં શિંગડાં સાપની
‘મારખોર’ નામ કેમ પડ્યું? ફારસી ભાષામાં ‘મારખોર’નો અર્થ થાય છેઃ સાપ. કેટલાક લોકો એવું કહે છે કે, તેનાં શિંગડાં સાપની જેમ ગૂંચળાવાળાં હોવાથી તેને આવું નામ આપવામાં આવ્યું હશે. તો કેટલાક એવું કહે છે કે, તે સાપને શોધીને મારી શકે છે તેથી તેનું નામ ‘મારખોર’ પડ્યું હશે. જોકે તેમને આવું નામ કેમ અપાયું તેનું ચોક્કસ કારણ હજુ સુધી ખબર નથી.
શિંગડાં મારાં લાંબાં... એક મોટાં ટોળામાં પચાસ જાતની બકરીઓ હોય, પણ એ બધામાંય આ બકરીને શોધતાં સહેજ પણ વાર નહીં લાગે. તેનું કારણ છે તેમનાં લાંબાં શિંગડાં. તમને જાણીને નવાઈ લાગશે કે, આ બકરીનાં શિંગડાં ૧.૫ મીટર એટલે કે ૫ ફૂટ જેટલાં લાંબાં થઈ શકે છે એટલે એક માણસ જેટલાં લાંબાં. જોકે આ શિંગડાં એકદમ સીધાં નથી હોતાં. સાપ જાણે સરકતો હોય તે રીતે તેનાં શિંગડાં પણ વળાંકોવાળાં હોય છે. વળી, કેટલીક જાતની મારખોર બકરીનાં શિંગડાં ગોળ ગૂંચળું વાળીએ તેવી રીતે અંદરની તરફ ગોળ વળતાં જાય છે. જોકે, આ બકરીઓમાં નર મારખો૨(બકરા) ના શિંગડાં જ આટલાં લાંબા થાય છે, જ્યારે માદા મારખોર(બકરી)ના શિંગડાં તો માંડ ૫૦ સે.મી. જેટલાં મોટાં થાય છે. જોકે માદા બકરીઓમાં પણ બીજી કોઈપણ જાતની બકરીમાં આટલાં લાંબાં શિંગડાં હોતાં નથી. મારખોરની બીજી ખાસ વાત છે તેમનાં લાંબાં વાળ, જે શિયાળાની ઋતુમાં તેમને બહુ કામ લાગે છે.
કયા દેશોમાં જોવા મળે?
મારખોર પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ગિલગિટ, બાલટીસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન જેવા દેશોમાં જોવા મળે છે.
કેવી જગ્યાએ રહે?
મારખોર જંગલી બકરી છે. આ બકરી મોટે ભાગે ઊંચા-ઊંચા પર્વતવાળા પ્રદેશોમાં જોવા મળતી હોય છે. એમાં પણ ખાસ કરીને ઊંછાઈ પર આવેલા વરસાદી જંગલોમાં તે ખાસ જોવા મળે છે. વળી, જે જંગલોમાં દેવદાર, ચીડ અને જુનિપર(જાંબુડિયા રંગનું બારેમાસ લીલું રહેતું વૃક્ષ) જેવાં ઝાડ હોય તેવાં જંગલોમાં તે રહેવાનું પસંદ કરે છે, કેમ કે આ બધાં ઝાડનાં પાંદડાં મારખોર ખાતાં હોય છે.
મારખોર ખાતા ક્યા હૈ?
મારખોર બકરી છે એટલે એ પૂરેપૂરું શાકાહારી પ્રાણી છે. તે મોટે ભાગે ઘાસ, ઝાડી-ઝાંખરાં, પાંદડાં, શાકભાજી, ફૂલ, ફળફળાદિ ખાય છે. ખોરાકની શોધમાં તે સવારે અને બપોરે નીકળે છે. તે દિવસના દસથી બાર કલાક માટે રખડવા નીકળે છે. બીજી જંગલી બકરીઓની જેમ મારખોર પર્યાવરણમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. મારખોર જે વનસ્પતિના પાંદડાં ને ફળ ખાય છે તે મારખોરનાં મળ(લીંડી) મારફતે જંગલમાં ફેલાય છે. અને જ્યાં-જ્યાં તેને છી-છી પોટ્ટી કરી હોય ત્યાં એ છોડ ઊગી નીકળે છે.
મારખોરનો શિકાર કોણ કરે?!
આ બકરીને જોઈએ તો થાય આવડી મોટી બકરીનો શિકાર કોણ કરે? અરે, ભૂલથી પણ એને મારીએ તો એનાં સીધાં જ એનાં શિંગડાં ઘુસાડી દે તો એવી બીક આપણને લાગે. તેમ છતાં વરૂના ટોળાં, જંગલી બિલાડીઓ, બરફીલા પ્રદેશના ચિત્તાઓ પણ આ સુંદર બકરીનો શિકાર કરે છે. કેટલાંક ગરુડ મારખોરનાં નાનાં બચ્ચાઓને પણ ખાઈ જતાં હોય છે.
જોવાનું એ છે કે, પાકિસ્તાનનું રાષ્ટ્રીય પ્રાણી હોવા છતાં તેને સાચવવા અને બચાવવા માટે ખાસ કાળજી લેવામાં આવતી નથી. પરિણામે, આખી દુનિયામાં હવે માત્ર ૨૫૦૦ જેટલાં મારખોર બચ્યાં છે અને એ પણ એશિયાના કેટલાક પહાડી પ્રદેશોમાં જ જોવા મળે છે. જો આ સુંદર પ્રાણીને બચાવવામાં નહીં આવશે તો કદાચ આ બકરીના સુંદર-મોટાં શિંગડાં ભવિષ્યમાં મ્યુઝિયમમાં જ જોવા મળશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024