સમાજ સેવાના ક્ષેત્રે મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્રની નવી પહેલ. સમાજના જરૂરિયાતમંદોની મદદ માટે પૂરક શિક્ષણ વર્ગનો શુભારંભ.
04-Oct-2021
મોડાસા, ૪ ઑક્ટોબર : કોરોનાની મહામારી સામે શિક્ષણ ક્ષેત્રે ઘણી મોટી રુકાવટની સ્થિતિ સર્જાઈ. જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સુરક્ષા હેતુ સાવચેતી માટે પણ ખૂબ જરૂરી હતું. હવે આ વિકટ સમયમાંથી શિક્ષણ જગત પણ ધીરે ધીરે હળવાશ સાથે અગાઉની જેમ ગાડી પાટા પર આવી રહ્યું છે.
ત્યારે અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના સંયોજક હરેશભાઈ કંસારાએ માહિતિ આપતા જણાવ્યું કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પૂરક શિક્ષણ સહાયરુપ થવા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર એ નવી પહેલ કરી છે. જેમાં પ્રથમ તબક્કામાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને શિક્ષણ અભ્યાસક્રમમાં સહાયરૂપ થવા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે પૂરક શિક્ષણ વર્ગોનો ત્રણ ઓક્ટોબર, રવિવારથી શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં નિષ્ણાંત શિક્ષકો દ્વારા અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયોનું પૂરક શિક્ષણ આપવા આયોજન કરવામાં આવ્યું છે. જે દર રવિવારે સવારે ૯ થી૧૨ દરમિયાન નિ: શુલ્ક સેવાભાવે પૂરક શિક્ષણ વર્ગ ચલાવવા આયોજન કરાયુ છે. જેમાં સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ધોરણ ૧૦ના ત્રીસ વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે 3 ઑક્ટોબર, રવિવારે સવારે શુભારંભ કરવામાં આવ્યો. ગાયત્રી પરિવાર, મોડાસાના પ્રમુખશ્રી ધર્માભાઈ પટેલ તથા અગ્રણી કાર્યકર તેમજ અંગ્રેજી વિષયના નિષ્ણાંત નિવૃત આચાર્ય નવિનભાઈ ત્રિવેદી તથા ગણિત અને વિજ્ઞાન વિષયના નિષ્ણાંત શિક્ષક પંકજભાઈ પ્રજાપતિનો આ કાર્ય સફળ બનાવવામાં સેવાભાવનો સિંહફાળો રહ્યો છે. આ પવિત્ર નિ:શુલ્ક સમાજ સેવાના શુભારંભમાં કુંભેરા હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય કિરિટભાઈ ઉપાધ્યાય, સરસ્વતી વિદ્યાલય, મોડાસાના પ્રાથમિક વિભાગના આચાર્ય વિનોદભાઈ પટેલ , આદિવાસી માધ્યમિક શાળા આંબલિયાના નિવૃત ઈન્ચાર્જ આચાર્ય અમૃતભાઈ પટેલ, સાયરા હાઈસ્કૂલના આચાર્યશ્રી દિનેશભાઈ ગુર્જર તથા મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શીવુભાઈ પટેલ, ગાયત્રી પરિવાર યુવા સંગઠન ગુજરાતના સંયોજક કિરિટભાઈ સોની ઉપસ્થિત રહી દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.
વિશેષ ઉપસ્થિત કિરિટભાઈ ઉપાધ્યાય એ પોતાના ઉદ્બોધનમાં ગાયત્રી પરિવાર દ્વારા આ શિક્ષણ જગતમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાની ભાવનાને ઉમદા કાર્ય ગણાવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક જીવનમાં સમયનો ભરપૂર સદુપયોગ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વિનોદભાઈ પટેલે ગાયત્રી ચેતના કેન્દ્ર જેવાં દિવ્ય આધ્યાત્મિક વાતાવરણમાં આ પૂરક શિક્ષણ લેવા બદલ વિદ્યાર્થીઓને અનુપમ અવસર ગણાવ્યો હતો. કિરિટભાઈ સોની એ રાષ્ટ્રના ભાવિ કર્ણધાર એવા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે દરેક વિદ્યાર્થીએ પોતાના ઉત્તમ લક્ષ ઉંચું રાખી મન દઈને મહેનત કરવા જરુરી માર્ગદર્શન આપ્યું હતું. અમૃતભાઈ પટેલે પણ પોતાના જીવનની ઘટના વર્ણવી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું.
આ આયોજનમાં વિશેષમાં સોમાભાઈ બારોટ, કાન્તિભાઈ ચૌહાણ, અરવિંદભાઈ કંસારા, રશ્મિભાઈ પંડ્યા, દિપકભાઈ ભટ્ટ, દિનેશભાઈ ભાવસાર , રાકેશભાઈ પટેલ તેમજ મંજુલાબેન ચૌહાણ, કિરણબેન ભાવસાર, અમિતાબેન પ્રજાપતિ, રમાબેન પંડ્યા, રેખાબેન સુથાર, સુધાબેન પંચાલ , શારદાબેન ભાવસાર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
20-Aug-2024