હેલીકોપ્ટરની ભેટ :સુરતના ગુજરાતી ઉદ્યોગપતિને પરિવારે આપી સરપ્રાઈઝ, ભેટમાં આપ્યું ૫૦ કરોડનું હેલિકોપ્ટર

04-Feb-2022

મુંબઇ,તા. ૪ : સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક સવજીભાઈ ધોળકિયાને તાજેતરમાં જ તેમના સામાજિક સેવાના કર્યો બદલ સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે આ ખુશીમાં ચાર ચાંદ લગાવવા તેમના પરિવારએ તેમને કોઈ કલ્પના પણ ન કરી શકે તેવી સરપ્રાઈઝ આપી છે. પરિવારે તેમને પચાસ કરોડની કિંમતનું હેલિકોપ્ટર ભેટમાં આપ્યું છે. પરિવારે સુરતમાં જ એક કાર્યક્રમનું આયોજન કરી તેમનું સન્માન કર્યું હતું.

બાદમાં ૧ ફેબ્રુઆરીએ મુંબઈમાં તેમના ભાઈ ઘનશ્યામભાઈ, તુલસીભાઈ અને હિંમતભાઈ તેમ જ પરિવારના ૮ દીકરાઓએ સાથે મળી સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું અને તે પાર્ટીમાં સવજીભાઈને હેલિકોપ્ટર ગિફ્ટ કરવાની જાહેરાત કરી હતી.

ઈમરજન્સીમાં સામાન્ય લોકોને હેલિકોપ્ટર આપીશ

સવજીભાઈએ કહ્યું, 'હું હંમેશા આપવામાં માનું છું. પરિવારે મને કંઈક આપ્યું હોય તો હવે હું વધુ ખુશ છું. અમે સમાજસેવા પણ ઘણી કરીએ છીએ. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે જળસંચયનું કામ કર્યું. ત્યાંના ગામડાઓમાં જળ સંચય માટે પણ અનેક કામો થયા.

આ બાબતે તુલસીભાઈએ જણાવ્યું હતું કે 'અમારા પરિવારે ખૂબ જ વિચાર મંથન કર્યું કે આપણે પરિવારજનો આપણા પરિવારના મોભીને શું ગિફ્ટ આપીએ તો સારું. વિચાર મંથનના અંતે એક એવો નિર્ણય લેવાયો કે અત્યારે સવજીભાઈ માટે સૌથી કિંમતી વસ્તુ સમય છે તેઓનો સમય બચે જયાં જવું હોય ત્યાં સમયસર પહોંચી શકે અને સમયસર તેમના કામ થઈ શકે વધારામાં વધારે સામાજિક સેવામાં તેમનો સમય વાપરી શકાય તે હેતુને ધ્યાનમાં રાખીને અમારા પરિવારે તેઓને હેલીકોપ્ટર ગિફ્ટ કરવા માટેનો નિર્ણય લીધો હતો.

Author : Gujaratenews