ગિરનાર પરિક્રમા શરૂ થયાનાં અગાઉથી નાના-મોટા અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યા, ૨૨૩૮નો સ્ટાફ તૈનાત

03-Nov-2022

દર વર્ષે કારતક સુદ અગિયારસની મધરાતથી યોજાતી ગિરનાર પરિક્રમાનો આવતીકાલે પરંપરાગત રીતે વિધિવત પ્રારંભ થશે. પરંતુ આ વર્ષે સલામતીને ધ્યાને રાખી આજે વહેલી સવારે ભાવિકોને પ્રવેશ માટે ગિરનાર જંગલનો ઇન્દ્રેશ્વર ગેઇટ ખોલવામાં આવતાની સાથે ભાવિકોએ પરિક્રમા માટે પ્રસ્થાન કર્યું હતું. એક લાખથી વધુ શ્રધ્ધાળુઓ પાવનકારી પરિક્રમા માટે રવાના થયા છે.

ગરવા ગિરનાર ફરેત યોજાતી ૩૬ કિમીની પરિક્રમા કોરોના મહામારીને લઇ છેલ્લા બે વર્ષ યોજાઇ ન હતી. આ બે વર્ષ માત્ર પરંપરા નિભાવવામાં આવી હતી. જેને લઇ આ વર્ષે પરિક્રમામાં જોડાવવા માટે છેલ્લા બે દિવસથી સાધુ-સંતો સહિત ભાવિકોનું આગમન વહેલુ શરૂ થઇ જતા ભવનાથ તળેટીમાં માનવ કિડીયારૂ ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

ગત રાતથી ભવનાથમાં પગ મુકવાની જગ્યા મળવી મુશ્કેલ બનતા રાત્રીના સોનાપુરી સ્મશાન ખાતેથી તળેટી તરફ વાહનોનો પ્રવેશ બંધ કરવાની ફરજ પડી હતી.

વાહનોની પ્રવેશ બંધીને લઇ સોનાપુરીથી પરિક્રમા રૂટ સુધી ૩.૫ કિ.મી. જેટલુ અંતર પગપાળા પસાર કરવાનું થતા સીનીયર સીટીઝનો, મહિલાઓ, બાળકો સહિતનાં ભાવિકોને મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે સવારનાં એક દિવસ વહેલી ગિરનાર પરિક્રમા શરૂ થયાનાં અગાઉથી નાના-મોટા અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યા છે. તેમજ વિવિધ સેવાભાવી, સામાજિક સંસ્થાઓ વગેરે દ્વારા ભાવિકો માટે ચા-પાણી, નાસ્તો વગેરેની સેવા પણ ગોઠવવામાં આવી છે.લીલી પરિક્રમાનો વહેલો પ્રારંભ કરાવવાની સાથે તંત્ર પણ ખડેપગે થઇ ગયું છે. પરિક્રમામાં પ્રથમવાર ડ્રોન અને બોડીવોન કેમેરાની તમામ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે.

પરિક્રમાને લઇ રૂટ ઉપર ૧૬ જેટલી રાવટી ઉભી કરવામાં આવી છે. તેમજ સલામણી તેમજ કાયદો વ્યવસ્થા માટે ડીવાયએસપી, પી.આઇ, પીએસઆઇ, કોન્સટેબલ, હોમગાર્ડ વગેરેનો ૨૨૩૮નો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

એસટી નિગમ દ્વારા બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી તેમજ જૂનાગઢથી અન્ય રૂટ માટે ૨૪૪ એસટી બસની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ.

Author : Gujaratenews