હવે પાર્કિંગ નહીં તો કાર ખરીદી શકાશે નહીં :દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરાઈ

03-Sep-2021

AHMEDABAD: શહેરમાં પ્રતિવર્ષ વાહનોનું વેચાણ વધી રહ્યું છે. 1961માં 43000 વાહન હતા.હવે તે 35 લાખ જેટલા વાહનોના 6 ટકા લેખે પ્રતિવર્ષ વધારો થઈ રહ્યો છે.તેમાં કારની સંખ્યામાં પણ ૯ ટકાના દરે વધારો નોંધાઈ રહ્યો છે.

શહેરમાં ૭૪ જગ્યાએ પાર્કિંગ સાઇટો ઉપલબ્ધ છે. જેમાં ૪૦ જગ્યાએ ઓફ સ્ટ્રીટ પાર્કિંગ, ૪ જગ્યાએ મલ્ટિલેવલ પાર્કિંગ, ૯ જગ્યાએ ઓન સ્ટ્રીટ પાર્કિંગ જ્યારે ૨૧ જગ્યાએ ફ્લાય ઓવર નીચે પાર્કિંગની જગ્યા છે. જ્યારે બીજા ૪ પાર્કિંગ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે.શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટમાં વાંધા સૂચનો મંગાવી તેનને આધારે નવી પાર્કીંગ પોલિસી તૈયાર કરવામાં આવી છે. તે અનુરૂપ પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એજન્ડા ૨જુ કરાયો છે. રાજ્ય સરકારની દરખાસ્તમાં એવી પણ સ્પષ્ટતા હતી કે, નવી કાર ખરીદવા માટે ખરીદારે તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું પણ ફરજીયાત બનાવવાની દરખાસ્ત હતી. જે અભિપ્રાયો બાદ મ્યુનિ. વહીવટી વિભાગ દ્વારા આ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરાઈ છે.

કેન્દ્ર સરકારે ૨૦૧૭માં જાહેર કરેલી નીતિને અપનાવવા માટે નવી પાર્કિંગ પોલિસી બનાવવાની ભલામણ કરાઇ હતી. જે પોલિસીના અમલ માટે ટીડીઓ અને પોલીસ અધિકારીઓ દ્વારા ચોક્કસ નીતિ બનાવવી રાજ્ય સરકારે તેને આધારે ગેઝેટ બહાર પાડી લોકોના અભિપ્રાયો મગાવ્યા હતા.આ ઉપરાંત ઓન રોડ પાર્કિંગ બાબતે પણ વિચારણા કરવામાં આવી હતી. જેમાં રાત્રી દરમ્યાન જાહેર રસ્તા પર જો પાર્કિંગ થાય તો તે માટે મ્યુનિ. ભાડુ વસુલી શકે તેવી પણ વ્યવસ્થા વિચારણા હેઠળ લાવવાનું ગેઝેટમાં દર્શાવ્યું હતું . શહેરના મોટાભાગના જૂના બિલ્ડિંગમાં હાલ પાર્કિંગના પ્રશ્નો છે. ત્યાં પાર્કિંગના પ્રશ્નો કઇ રીતે ઉકેલી શકાય તે માટે પણ અભિપ્રાયો મગાવવામાં આવ્યા હતા.

Author : Gujaratenews