AHMEDABAD: પતિએ પત્નીના નગ્ન ફોટો સોશિયલ મીડિયામાં ફરતા કરી દેવાની ધમકી આપીને રૂ. 20 લાખ દહેજ પેટે આપે તો છૂટાછેડા આપવાનું દબાણ કર્યું હોવાની પોલીસ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
હાલના તબક્કે શહેરના મણિનગરમાં રહેતી એનઆરઆઈ મહિલા 22 વર્ષથી અમેરિકામાં સ્થાયી છે. વર્ષ 2015માં મહિલાનો સોશિયલ મીડિયા મારફતે ઘોડાસરમાં રહેતા યુવક સાથે સંપર્ક થતાં બંને વચ્ચે વાતચીતનો દોર આગળ વધતાં પ્રેમમાં પરિણમ્યો હતો અને યુવકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેથી મહિલા 2016માં અમેરિકાથી અમદાવાદ આવી યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ મહિલા સાસરિયે રહેવા ગઈ ત્યારે તેના પતિએ સુહાગરાતે જ મહિલાની જાણ બહાર તેના નગ્ન ફોટા પાડી લીધા હતા, ત્યાર બાદ તેણે દહેજમાં પાંચ લાખની માગણી કરી કહ્યું હતું કે, તું મને અમેરિકા લઈ જા અને ત્યાંનો નાગરિક બનાવ, જેથી મહિલાએ પતિનું વર્તન જોઈ ઈનકાર કરતાં તેને માર મારી દાગીના લઈ સંબંધીના ઘરે ચાલી ગઈ હતી અને ત્યારબાદ અમેરીકા જતી રહી હતી.
આ ઘટના બાદથી તેનો પતિ અવારનવાર ફોન કરીને મહિલાને તેના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં ફરતા કરી દેવાની ધમકી આપીને દહેજની માગણી કરી માનસિક ત્રાસ આપતો હોવાથી તાજેતરમાં અમદાવાદ આવેલી મહિલાએ આ મામલે પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.
પાંચ લાખ આપ્યા તો વીસ લાખની માગ કરી
પતિએ લગ્નની પ્રથમ રાતે જ જાણ બહાર ફોટો પાડી બ્લેકમેઈલિંગની શરૂઆત કરતાં અમેરિકા ચાલી ગયેલી પત્નીએ તેનાથી પીછો છોડવા માટે પાંચ લાખ મોકલી આપ્યા હતા. જોકે પતિએ તેને છૂટાછેડા આપવા માટે વધુ 20 લાખની માગણી કરી માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.
20-Aug-2024