6 લાખ કરોડ રૂપિયાના વેચાણ માટે ભારત સરકારનું લીસ્ટ તૈયાર, જાણો પહેલા કઈ સરકારી કંપનીની થશે હરાજી

02-Sep-2021

તસવીર : અમિતાભ કાંત.

તાજેતરમાં મોદી સરકારે 6 લાખ કરોડનો નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NMP) કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ સરકાર માટે ખૂબ મહત્વનો છે, કારણ કે સરકારને અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે નાણાંની જરૂર છે. એનએમપી અંગે, નીતિ આયોગના વડા અમિતાભ કાંત ઠાકુરે મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે મિલકતોની હરાજી કરવામાં આવવાની છે તેવી સરકારી મિલકતોની ઓળખ થઈ ગઈ છે .

અમિતાભ કાંતે કહ્યું કે હરાજી રેલવે, ગેસ પાઇપલાઇન, બંદરો અને એરપોર્ટ જેવા ક્ષેત્રોમાંથી શરૂ થશે. અમને વિશ્વાસ છે કે અમે ચાલુ નાણાકીય વર્ષ અને આવનારા વર્ષો માટે નિર્ધારિત થયેલા લક્ષ્યો હાંસલ કરીશું. તેમણે કહ્યું કે નોન-કોર એસેટ્સ જેવી સરકારની સરપ્લસ જમીનને આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવી છે. એનએમપી પ્રોગ્રામમાં રોકાણકારો કેટલો રસ ધરાવે છે તે અંગે તેમણે કહ્યું કે રોકાણકારોએ આ કાર્યક્રમ તરફ જરૂર આકર્ષાશે.

પાવરગ્રીડ 7700 કરોડનું ઈનવીટ લાવી રહ્યું છે

એનએમપી હેઠળ સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે 80 હજાર કરોડ એકઠાં કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ચાલુ નાણાંકીય વર્ષમાં પાવર ગ્રીડ 7700 કરોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ લોન્ચ કરી રહ્યું છે, જે કોઈ પણ જાહેર ક્ષેત્રની કંપની દ્વારા પ્રથમ InvIT છે. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન અંગે વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે, જો કે સરકાર અને આ કાર્યક્રમના સમર્થકોનું કહેવું છે કે આ હેઠળ સરકારી સંપત્તિ વેચવામાં આવી રહી નથી, માલિકી સરકાર પાસે રહેશે, પરંતુ ખાનગી સેક્ટર તે સંપત્તિનો ઉપયોગ કરશે.

નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન શું છે?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 ઓગસ્ટના રોજ નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન કાર્યક્રમ શરૂ કર્યો. આ અંતર્ગત ઘણા વિસ્તારોમાં સરકારી મિલકતોમાં હિસ્સો વેચીને અથવા મિલકત ભાડે આપીને કુલ 6 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ સરકારી મિલકત ભાડે આપવાની પ્રક્રિયા 2025 સુધી ચાલુ રહેશે.

નિશ્ચિત સમયમર્યાદા માટે લીઝિંગ

આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જે રસ્તાઓ, રેલવે સ્ટેશન અથવા એરપોર્ટ લીઝ પર આપવામાં આવશે તેની માલિકી સરકાર પાસે રહેશે. લીઝ નિર્ધારિત સમય મર્યાદા માટે હશે. તે પછી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર પાસે પાછા સોપી દેવામાં આવશે.

Author : Gujaratenews